સ્વભાવનું મૂલ્યApril 25, 2019

રાજગઢ ગામમાં એક સ્ત્રી મધ વેંચવાનુું કામ કરતી હતી. મીઠું મધ વેચવા સાથે તેની જીભ પણ એટલી જ મધુર હતી. મધ ખરીદવા જે કોઇ ગ્રાહકો આવે તેની સાથે એ પ્રેમ અને લાગણીથી વાત કરતી હતી જેથી ગ્રાહકોને પોતાપણું લાગતું તેથી તેની દુકાને ગ્રાહકોની ભીડ જમા થતી હતી.
આ બધું જોઇને તેની સામેની દુકાનના એક વ્યક્તિને વિચાર આવ્યો કે આ સ્ત્રી મધ વેચીને કેટલું બધું કમાય છે તો હું પણ શા માટે મધનો વ્યવસાય ન કરું? આમ વિચારીને પેલી સ્ત્રીની સામે જ પોતે પણ મધ વેચવાનું શરૂ કર્યું તેણે મધ વેચવાનું નકકી તો કર્યું પણ તેની જીભ કડવી હતી કોઇ પણ ગ્રાહક આવે તો તેની સાથે હંમેશા ગુસ્સાથી વાત કરતો.
કયારેક સામેની વ્યક્તિનું અપમાન પણ કરી નાંખતો તેનું મોં હંમેશા ગુસ્સાથી લાલચોળ જ રહેતું. આમ માણસો તો ઠીક એક માખી પણ તેનું મધ ચાખવા માટે તેની દુકાન પર આવતી ન હતી.
સવાર થી સાંજ તે ગ્રાહકોની રાહ જોતો બેસી રહેતો અને સામેની દુકાનમાં પેલી સ્ત્રીને તેના વ્યવસાયમાંથી ફુરસદ મળતી ન હતી. હસતા મુખે તે કામ કરતી અને કામનો થાક પણ લાગતો નહોતો.
આ બધું જોઇને પેલા વ્યક્તિની પત્નીએ તેને કહ્યું કે કડવા શબ્દ મધને પણ ઝેર બનાવી નાંખે છે પેલી સ્ત્રીનો હસતો ચહેરો અને મીઠા શબ્દો મધ કરતા પણ મીઠા હતા તેથી ગ્રાહકો તેની પાસે ખેંચાતા હતા. પેલી વ્યક્તિને પોતાની ભૂલ સમજાઇ ગઇ અને તેણે પોતાના સ્વભાવમાં પરિવર્તન કરવાનું નકકી કર્યું   : બોધ :
કોઇ પણ કામ પ્રસન્નચિતે કરવું જોઇએ. હસતા મુખે કરેલ કામ અને બે મીઠા બોલ કોઇ પણ કાર્યમાં સફળતા અપાવે છે. ઇર્ષા અને સામેની વ્યક્તિ પ્રત્યે ગુસ્સો, નફરત હંમેશા નકારાત્મકતા ફેલાવે છે.