રાજકોટના પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકી: 25 લાખનું નુકસાનApril 24, 2019

રાજકોટ તા.24
રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલા હરીઓમ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પ્લાસ્ટીકના કારખાનામાં મોડીરાત્રે આગ ભભુકી ઉઠી હતી. બે ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી શોકમાં રહેલી મશીનરી અને પ્લાસ્ટીકના દાણા સહિતનો રો-મટીરીયલ્સ બળીને ખાખ થઇ જતાં અંદાજે 25 લાખનું નુકસાન થયું છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી પાસે રીધ્ધી-સીધ્ધી સોસાયટી પાછળ આવેલા હરીઓમ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા અમર ઓટો ઇન્ડસ્ટ્રીઝ નામના પ્લાસ્ટકના કારખાનામાં મોડીરાત્રે 3 વાગ્યે આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા મુખ્ય ફાયર સ્ટેશન અને બેડીપરા ફાયર સ્ટેશનેથી બે ફાયર ફાઇટરો સાથે સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ઘટનાસ્થળે હાજર કારખાનાના માલીક અરવિંદભાઇના જણાવ્યા મુજબ રાત્રે કારખાનું ચાલું હતું. નાઇટ શીફટ ચાલતી હતી ત્યારે પાછળના દરવાજા પાસેથી આગ લાગી હતી અને સમગ્ર શેડમાં ફેલાઇ ગઇ હતી.
આગના કારણે શેડમાં રહેલી મશીનરી અને પ્લાસ્ટીકના દાણા સહિતનો કાચો માલ બળીને ખાખ થઇ જતા અંદાજે 25 લાખ જેટલું નુકસાન થયું હતું. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.