સર્વર ડાઉન થતા સિવિક સેન્ટરની કામગીરી ઠપApril 24, 2019

મહાપાલિકાની આવશ્યક સેવાઓમાં ફરીવાર ધાંધિયા રાજકોટ તા.24
રાજકોટ મહાનગરપાલીકાની આવશ્યક સેવાઓમાં વારંવાર ધાંધીયા સર્જાવાની ઘટનાઓ ઘટતા છેવાડાના વિસ્તારોમાંથી આવતા અરજદારોને પરેશાન થવું પડતું હોય છે છતા તંત્ર દ્વારા કોઇ જાતના નક્કર પગલા ન લેવાતા આજરોજ ફરી એક વખત સેન્ટ્રલ ઝોન ખાતે આવેલ સીવીક સેન્ટરમાં સર્વર ડાઉન થતા જન્મ-મરણના દાખલા કાઢવા સહિતની કામગીરી ત્રણ કલાક ખોરવાતા અરજદારોની લાઇનો લાગી હતી અને રોષ વ્યાપ્યો હતો.
મનપાના સેન્ટ્રલ ઝોન ખાતે આવેલ સીવીક સેન્ટરમાં જન્મમરણના દાખલા સહિતની કામગીરી કરવામાં આવે છે. દરરોજ ઓફીસ ખુલે તે પહેલા જ અરજદારોની લાઇનો હોય છે. રોજીંદા કામ કરાવવા માટે શહેરભરમાંથી અને છેવાડાના વિસ્તારોમાંથી દરરોજ અસંખ્ય અરજદારો આવતા હોય છે. આ વિભાગની કામગીરી સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારીત હોવાથી સર્વર ડાઉન થઇ જવાની ઘટનાઓ વારંવાર થતી હોય છે છતા આજ સુધી તંત્ર દ્વારા સોફટવેર કંપનીઓ પાસે નક્કર કામગીરી નહીં કરાવતા સીવીક સેન્ટરના કોમ્પ્યુટર શોભાના ગાંઠીયા સમાન બની રહ્યા છે. જેમાં આજે પણ સર્વર ડાઉન થવાની ઘટના ઘટી હતી.
સીવીક સેન્ટરમાં સવારે 10 વાગ્યે સર્વર ડાઉન થતા તાત્કાલીક મરમ્મત માટે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવેલ. ત્યારબાદ ઇજનેર દ્વારા તેમજ સોફટવેર કંપની દ્વારા રેગ્યુલર કરવાની મથામણ હાથ ધરવામાં આવી હતી. જે બપોરે 12 વાગ્યા બાદ કામગીરી પુન: શરૂ કરવામાં આવી હતી.
આજરોજ સર્વર ડાઉન થતા વહેલી સવારથી જન્મમરણના દાખલા તેમજ અન્ય કામગીરી માટે આવેલા મહિલાઓ સહિતના અરજદારો ત્રણ-ત્રણ કલાક લાઇનમાં બેસવાના કારણે તેમજ ગરમીના કારણે અકળાઇ ઉઠયા હતા અને ભારે રોષ વ્યાપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલીકાના અન્ય વિભાગોમાં પણ સર્વર ડાઉન થવાની વારંવાર ઘટનાઓ બને છે છતા સ્માર્ટ સીટીના ગાણા ગાતા કોર્પોરેશનને અરજદારોની સમસ્યા સુલઝાવવામાં જરા પણ રસ નથી તેવું રોજેરોજની ઘટના ઉપરથી લાગી રહ્યું છે.