વધુ ૧૦૪ રેંકડી, કેબિન, બેનરો જપ્ત: ૨.૭૦ લાખનો દંડApril 24, 2019

રાજકોટ તા.૨૪
રાજકોટ મહાપાલીકાના જગ્યારોકાણ વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ૪૮ રાજમાર્ગો, ફુલ બજાર, હોકર્સ ઝોન સહિતના વિસ્તારોમાંથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી ૧૦૪ રેકડી, કેબીન, બેનર, મંડપ, છાજલી જપ્ત કરી ધંધાર્થીઓને ‚ા.૨.૭૦ લાખનો દંડ ફટકાર્યો હતો તેમજ હોકર્સ ઝોન અને ફુલ બઝારમાંથી ૪૫૦ કિલો સડેલા શાકભાજી, ફુલ તેમજ ઘાસચારાના જથ્થાનો નાશ કર્યો હતો.
જગ્યારોકાણ વિભાગ દ્વારા શહેરના એસ.કે.ચોક ગાંધીગ્રામ, છોટુનગર, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, રામાપીર ચોકડી, જ્યુબેલી શાકમાર્કેટ, હોસ્પીટલ ચોક, જંકશન રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી ૬૪ રેકડી-કેબીન તેમજ પરચુરણ દબાણો દુર કરી આસામીઓને દંડ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે પારેવડી ચોકમાં આવેલ ફુલ બજાર તેમજ ઘાસચારાનું વેચાણ કરતા ધંધાર્થીઓને ૨૪ થી વધુ દબાણો દુર કરી ૩૦૦ કિલોથી વધુ શાકભાજી તેમજ ઘાસચારાનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
જગ્યારોકાણ વિભાગ દ્વારા ફુલછાબ ચોક, લોટરી બજાર, નાનામવા મેઇન રોડ, આનંદમંગલા ચોક, મવડી મેઇન રોડ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ રોડ, સ્પીડવેલ પાર્ટીપ્લોટ ચોક, યુનિ. રોડ, ૮૦ ફુટ રોડ, સાંગણવા ચોક, ગુંદાવાડી, કરણપરા ચોક, કોઠારીયા રોડ, ભાવનગર રોડ, મોરબી રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપરથી મંડપ, છાજલી, બેનરો સહિતના ૮૦ થી વધુ દબાણો દુર કરી ‚ા.૧.૪૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેવી જ રીતે સીસીટીવી કેમેરા તેમજ ઓનલાઇન ફરીયાદો
અને આચારસંહિતાની કામગીરી અંતર્ગત તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.