યુવા ભીમ સેનાના 200 કાર્યકરનો મનપામાં હંગામોApril 24, 2019

હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પ્રોજેકટમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ રાજકોટ તા.24
રાજકોટ મનપાના અતિ મહત્વના હોસ્પીટલ ચોક ઓવરબ્રીજના પ્રોજેકટ ઉપર ફરી એક વખત સંકટના વાદળો ઘેરાયા છે. ચોકમાં આવેલ ડો.આંબેડકરની પ્રતિમાનું અપમાન થઇ રહ્યાનું જણાવી બ્રીજની કામગીરી રોકવામાં આવે તેવી માંગ યુવા ભીમ સેનાએ કરી આજરોજ 200 થી વધુ કાર્યકરોએ કોર્પોરેશન ખાતે આવી મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો રોડ ઉપર ઉતરશું તેવી ચીમકી આપી હતી.
રાજકોટ શહેર યુવા ભીમ સેનાના 200 થી વધુ કાર્યકરોએ આજરોજ કોર્પો. ખાતે આવેલી મ્યુનિ. કમિશ્નરને આવેદન પાઠવી રજુઆત કરી હતી કે હોસ્પીટલ ચોકમાં ડો.બાબાસાહેબની પ્રતિમા વર્ષોથી પ્રતિસ્થાપન કરવામાં આવેલ છે. છતા પ્રતિમાને દબાવી દેવા માટે મનપા દ્વારા હીન પ્રયાસ કરી
ચોક ખાતે ટ્રાયએંગલ બ્રીજ બનાવી રહી છે ત્યારે અન્ય પ્રોજેકટોને ખસેડવામાં આવ્યા છે તેમ હોસ્પીટલ ચોક બ્રીજને પણ ખસેડવામાં આવે તેમ જણાવ્યું હતું.
યુવા ભીમ સેના દ્વારા વધુમાં જણાવેલ કે કેસરી હિંદ પુલથી શરૂ કરીને હોસ્પીટલ ચોક તરફ આવતો સંપૂર્ણ રોડ બંને બાજુથી પહોળો કરવો જરૂરી છે. આથી ઉપરોકત મુદ્દાઓ જોતા રાજકોટમાં કોર્ટ બીલ્ડીંગમાં આવતા લોકો દ્વારા ટ્રાફીક સર્જાય છે. જ્યારે કોર્ટ અહીંથી અન્ય સ્થળે ટ્રાન્સફર થવાની છે ત્યારે ટ્રાફીક સમસ્યા ઓટોમેટીક હળવી થઇ જવાની છે અને બ્રીજની જરૂરીયાત રહેતી નથી. મનપા દ્વારા શહેરમાં વસતા ગરીબ પછાત અનુસુચિત જાતિના લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
જે વિસ્તારોમાં 30 વર્ષથી વસાહતો ઉભી છે તેમના ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે અને તંત્રની ઢીલી નીતિના કારણે ગરીબોને દિવસે દિવસે પરેશાની વધી રહી છે. આથી આ હીટલરશાહી વહીવટી તંત્ર સામે આંદોલન કરવાની ફરજ પડશે અને આંબેડકરની પ્રતિમા અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો ભીમ સેનાના કાર્યકરો રોડ ઉપર ઉતરી પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ડો.બાબાસાહેબની પ્રતિમા મુદ્દે દલિત સમાજ દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરવામાં આવેલ. પરીણામે બ્રીજની ડીઝાઇનમાં ફેરફાર કરી બ્રીજને ઝનાના હોસ્પીટલ સાઇડ ખસેડવામાં આવેલ અને મ્યુનિ. કમિશ્નર દ્વારા ડો.બાબાસાહેબની પ્રતિમાને કોઇ જાતનું નુકસાન નહીં થાય તેમ જણાવ્યું હતું છતા આજરોજ યુવા ભીમસેના દ્વારા ફરી વખત ડો.આંબેડકરની પ્રતિમા
મુદ્દે ફરી આંદોલનના ખાંડા ખખડાવ્યા છે.