જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ ઉપર મેંદરડામાં ટોળાનો હુમલોApril 24, 2019


ગાડી હટાવવાના મુદ્દે બબાલ થતા ભાજપના કાર્યકરે હુમલો કર્યો જુનાગઢ તા. 24
મેંદરડાના આંબલિયા ગામે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ઉપર ટોળાએ જીવલેણ હુમલો કર્યાના સમાચારો સાંપડી રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સાંજના પાંચ વાગ્યે મેંદરડાના આંબલિયા ગામે બોગસ મતદાન થતું હોવાનું જાણવા મળતા કોંગ્રેસના જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી આંબલિયા ગામે પહોંચ્યા હતા અને ત્યાં જઈને મતદાન મથકમાંથી ટોળાઓને બહાર કાઢયા હતા બાદમાં આ બાબતનું મનદુ:ખ રાખી ગાડી હટાવવાનું જણાવી ભાજપના કાર્યકર રાજુભાઇ ડાંગર સહિતના ટોળાએ ભીખાભાઈ જોશી ઉપર હુમલો કરી દીધો હતો, જો કે સદનસીબે સ્થાનિક લોકો આવી જતા ભીખાભાઈને કોઈ ગંભીર ઇજાઓ થવા પામી ન હતી પરંતુ સામાન્ય માર મારવામાં આવતા મૂંઢ માર લાગવા પામ્યા છે તેમ ધારાસભ્ય ભીખાભાઈના પુત્ર મનોજભાઈએ એક ફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું તથા ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ છે તેમ વિશેષમાં જણાવ્યું હતું.
મેંદરડાના આંબલિયા ગામે ભાજપના કાર્યકરો દ્વારા જુનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ઉપર કરાયેલા હુમલાથી સમગ્ર જિલ્લામાં સનસનાટી મચી જવા પામી છે, તો બીજી બાજુ ભાજપ દ્વારા થયેલ આ હુમલા પ્રકરણમાં પોલીસ દ્વારા કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી કોંગ્રેસમાંથી માંગ ઉઠવા પામી છે.