શ્રીલંકા બ્લાસ્ટ : નિષ્ફળતા માટે સરકારે માગી માફીApril 24, 2019

કોલંબો : શ્રીલંકામાં ઈસ્ટર સન્ડેના દિવસે આઠ બોમ્બ ધડાકામાં 320 વ્યક્તિના મોત થયા બાદ સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. ઈન્ટેલિજન્ટ એજન્સી તરફથી આગોતરી માહિતી અપાયા છતાં દેશભરને હચમચાવી મૂકે એવા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. સરકારે તેની નિષ્ફળતા માટે માફી માગી હતી. બોમ્બ ધડાકા માટે 40 શકમંદની અટક કરાઈ છે. ભારત સહિત અન્ય દેશના નાગરિક પણ માર્યા ગયા હતા. સરકારના પ્રવકતા રજીથા સેનારત્નેએ જણાવ્યું હતું કે હુમલાના એક દિવસ પહેલા બ્લાસ્ટ વિશે ચેતવણી મળી હતી, છતાં ધડાકા થયા હતા. સેંકડો લોકોની જાન ગઈ હતી, તે માટે સરકાર તમામની માફી માગે છે. તમામ અસરગ્રસ્ત પરિવારને વળતર અપાશે અને ચર્ચ ફરી બાંધી આપવામાં આવશે. લોકલ ઈસ્લામિક ગ્રુપ નેશનલ તવહીદ જમાત તરફથી ચેતવણી મળી હોવાનું તેમણે કહ્યું હતું. જોકે, અન્ય મોટા ગ્રુપનો હુમલામાં હાથ હોય શકે છે. સાત આત્મઘાતી બોમ્બર આ ગ્રુપ સાથે સંકડાયેલા હોવાનું મનાય છે. હુમલાની જવાબદારી હજુ કોઈએ જાહેર કરી નથી. શ્રીલંકાના પ્રમુખે મિલિટરીને છૂટો દોર આપ્યો છે. થોડાં વર્ષ અગાઉ દેશમાં સિવિલ વોર વખતે મિલિટરીને તમામ પાવર અપાયો હતો, જે શાંતિ સ્થપાયા બાદ પાછો ખેંચાયો હતો. રવિવારે ધડાકા થયા બાદ મંગળવારે એક ચર્ચ નજીક પાર્ક થયેલી વેનમાંથી બોમ્બ મળી આવ્યા હતા. કોલંબોના બસ ડેપો નજીક અનેક ડિટોનેટર્સ શોધી કઢાયા હતા. અહીંના તમામ પોલીસ સ્ટેશનને હાઈ ઍલર્ટ પર મુકાયા છે. શ્રીલંકાના સંરક્ષણ સચિવે કહ્યું હતું કે દેશમાં આટલો ભયંકર બોમ્બ ધડાકા થશે એવું માનવામાં આવતું નહોતું.
મોટી સંખ્યાના ચર્ચને ટૂંકા સમયમાં સંરક્ષણ પૂરું પાડવું શક્ય નહોતું એમ તેમણે કહ્યું હતું. ઈન્ટરપોલ અને એફબીઆઈ મદદે આવ્યું છે અને તપાસ હાથ ધરી છે. આત્મઘાતી બોમ્બર દ્વારા વપરાયેલી વેનના ડ્રાઈવર સહિત 40 શકમંદની ધરપકડ કરાઈ છે.