‘ઝી’ બ્રેકિંગ : સુભાષ ચંદ્રાએ કહ્યું બેન્કોનું કર્જ ચૂકવી દઈશApril 24, 2019

  • ‘ઝી’ બ્રેકિંગ : સુભાષ ચંદ્રાએ કહ્યું બેન્કોનું કર્જ ચૂકવી દઈશ

નવીદિલ્હી તા,24
એસ્સેલ જૂથના ચેરમેન સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ ધિરાણદાતાના દેવા ચૂકવી દઈશ. તેમણે જણાવ્યું હતું કે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ (ઝી)માં જાપાનથી માંડીને ભારત, યુરોપ અને અમેરિકાના પાંચ રોકાણકારોએ રસ દાખવ્યો છે. જાન્યુઆરીમાં કંપનીની શેર પ્રાઇસમાં ગાબડા પડતાં પોતાની ભૂલનો સ્વીકાર કર્યા પછી પહેલી જ વાર મુલાકાત આપતાં ચંદ્રાએ જણાવ્યું છે કે જે રોકાણકારોએ ઝી કંપનીમાં જે રોકાણકારોએ રુચિ દાખવી છે તેમના નામ આપીશ તો તમે આશ્ચર્યમાં પડી જશો. તેમણે શેરહોલ્ડરને તાજેતરમાં લખેલા પત્રમાં પોતાની ભૂલ કબૂલી હતી. તેમણે વચન આપ્યું હતું કે જૂથ પર જે 17,174 કરોડનું દેવું છે તે દેવાની પાઈ-પાઈ ચૂકવી દેશે. ચંદ્રાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2018માં ભાગીદારી વેચવાની પ્રક્રિયા શરૂ કરી હતી ત્યારે ગોલ્ડમેન સાશ અને લાયન-ટ્રીએ અમારી સમક્ષ 12થી 14 રોકાણકારોના નામ લખ્યા હતા. તેમાંથી અમે બે કંપનીઓની પસંદગી કરી હતી. પરંતુ હવે તેના ઉપરાંત અન્ય અનેક કંપની રેસમાં સામેલ થઇ ચૂકી છે. આ કંપનીઓએ અમારો સીધો સંપર્ક કર્યો છે. જે મોટી કંપનીઓ રેસમાં હોવા અંગે અટકળો થઈ રહી છે તેનું હું સમર્થન કરતો નથી ઇનકાર કરી રહ્યો. ચંદ્રાએ કહ્યું કે જે રોકાણકારોએ ઝીની ભાગીદારી ખરીદવામાં રુચિ દાખવી છે તે પૈકી પાંચ કંપની શોર્ટલિસ્ટ થઇ ચૂકી છે. આ દેશ, વિદેશની કંપનીઓ છે. એપ્રિલના અંતભાગમાં કે મેના પ્રથમ સપ્તાહમાં આપણને નોન બાઇન્ડિંગ શીટ મળી જવી જોઇએ. ધિરાણકર્તાઓને અમે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. મને વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં સોદો થઇ જશે.