મોદી V/S પ્રિયંકા ?April 24, 2019

  • મોદી V/S પ્રિયંકા ?

નવીદિલ્હી તા,24
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધી વાડરાને વારાણસીની બેઠક માટે ચૂંટણીના મેદાનમાં ઉતારવાની કે નહીં એ વિશે કોંગ્રેસ આંતરિક સર્વેક્ષણ કરાવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સર્વેક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ સર્વેક્ષણનો રિપોર્ટ સકારાત્મક આવે કે નકારાત્મક, બંને સ્થિતિમાં શું કરવું એ અગાઉથી નક્કી કરી લેવાયું છે. વારાણસીની બેઠક માટે 22 એપ્રિલથી 29 એપ્રિલ વચ્ચે નામાંકન દાખલ કરવાના છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલે વારાણસી પહોંચીને 26મી એપ્રિલે રોડ શો કરશે અને ત્યાર બાદ પોતાના દસ્તાવેજ ચૂંટણીપંચ સમક્ષ દાખલ કરશે.
કોંગ્રેસની અપેક્ષા પ્રમાણે જો પ્રિયંકાને મોદી સામે ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવાય તો બસપ-સપનું ગઠબંધન કદાચ મોદીને હરાવવા એમને ટેકો આપે. બસપ-સપના ગઠબંધનની સમજૂતી પ્રમાણે વારાણસીની બેઠક સપને મળી છે, તો એ હિસાબે અખિલેશ યાદવ કદાચ ટેકો આપેય ખરા.
કોંગ્રેસના સમર્થકોના મતે જો પ્રિયંકા ચૂંટણી લડે તો એને મહિલાઓ, મુસ્લિમો, દલિતો, યાદવોના મત મળી શકે એમ છે અને તો પરિણામનું સમીકરણ બદલાવાની શક્યતા ઊભી થાય એમ છે. આ રીતે વધુ મત કપાતા મોદી માટે ચઢાણ વધુ કપરાં સાબિત થઇ શકે એમ છે. જોકે, મતદારો સમજદાર છે અને તેઓ કોને જીતાડશે એ તો પરિણામ આવ્યા બાદ જ જાણી શકાશે.