મતદાનના મામલે ગુજરાતની જાગૃતિ દેશ માટે દિશા ચીંધે છેApril 24, 2019

ગાંધીનગર તા,24
ગુજરાતમાં છેલ્લી લોકસભા ચૂંટણીથી મતદારોમાં જાગૃતિ આવી છે અને રાજ્ય મતદાનના નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 23 એપ્રિલ, 2019ના મંગળવારે યોજાયેલા મતદાનમાં ચૂંટણી પંચે રાત્રે 9 કલાકે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં કુલ 64.67 સરેરાશ મતદાન નોંધાયું છે. જેણે વર્ષ 2014નો મતદાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
રાજ્યમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં 63.66 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે આજે યોજાયેલા મતદાનમાં લોકોએ 63.67 ટકા મતદાન કર્યું છે. ચૂંટણી પંચે રાત્રે 9.00 કલાક સુધીના આ આંકડા આપ્યા છે. હજુ કેટલાક અંતરિયાળ વિસ્તારોમાંથી આંકડા આવવાના બાકી છે, આથી મતદાનની આ ટકાવારીમાં હજુ થોડો વધારો થાય તેવી સંભાવના છે.
રાજ્યમાં સૌથી વધુ મતદાન 1967ની ચૂંટણીમાં 63.77 ટકા નોંધાયું હતું અને ત્યાર પછી બીજું સૌથી વધુ મતદાન 2014માં 63.66 ટકા મતદાન નોંધાયું હતું. હવે, 2019માં અંતિમ આંકડા મુજબ 63.67 ટકા મતદાન નોંધાયું છે અને જેણે 2014નો રેકોર્ડ તોડી નાખ્યો હતો.