‘લંકા’ની દાહ આપણી ‘અયોધ્યા’ને દઝાડે તે પહેલાં સાવધાન...April 24, 2019

પ્રચંડ બોમ્બ-વિસ્ફોટોથી મરણાંક વધવા સાથે શ્રીલંકાને આઘાતમાંથી બેઠું થતા ઘણી વાર લાગશે. ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટેલ્સમાં થયેલા ધડાકા કોણે કરાવ્યા એના વિશે થતા તર્કવિતર્ક વચ્ચે શંકાની સોઈ લશ્કર- એ- તોયબા અને ઈસ્લામિક સ્ટેટ જેવાં સંગઠનોની સંડોવણી ભણી તકાઈ રહી છે. આને પાડોશી દેશમાં થયેલી દુર્ઘટના માનીને ભારત અવગણી નહિ શકે અને દિલ્હી એવું કરે જ નહિ. આપણા ભારત દેશ માટે આ સારા એંધાણ નથી.
રાજદ્વારી અને રાજકીય વર્તુળોના અભ્યાસ અને સમીક્ષા એક હકીકત નીચે ઘાટ્ટી લીટી દોરે છે કે ભારતને વધુ એક ખૂણેથી ઘેરવાનો આ કારસો ન હોય તો જ નવાઈ. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, ભુતાન, નેપાળ, મ્યાનમાર, બાંગલાદેશ, માલદીવ્સ અને શ્રીલંકા ભારતના પાડોશી છે. માલદીવ્સમાં તાજેતરમાં ભારત તરફી સરકાર ચૂંટાઈ આવી એટલે ચીનનો ગરાસ લૂંટાયો જ હોય. ભુતાનને પોતાની તરફ ખેંચવા ચીન પ્રયત્નશીલ છે. આ બધા વચ્ચે એકાદ દાયકાથી શાંત રહેલા શ્રીલંકાને પણ હવે નિશાન બનાવાયું છે. નવી દિલ્હીને અ-મિત્રો વચ્ચે તાણયુક્ત રાખવાનું આ સ્પષ્ટ ષડ્યંત્ર છે. આમાં આંતરરાષ્ટ્રીય દોરીસંચાર ક્યાંથી કોણ કરતું હોય એ સમજવું મુશ્કેલ છે.
ભારતમાં આતંકવાદી હુમલા માટે શ્રીલંકાનો ઉપયોગ કરવાનું આસાન થઈ શકે. લંકાના વિસ્ફોટો પાછળ સ્થાનિક મુસ્લિમ લડાયક સંગઠન એન. ટી. જે.નો હાથ હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે, પરંતુ આટલા બધા ધડાકા કરવાનું, થોકબંધ વિસ્ફોટો ભેગા કરવાનું અને સાતેક સ્યુસાઈડ બોમ્બરને તૈયાર કરવાની ક્ષમતા કે નેટવર્ક લંકાના આઉટફીટ પાસે ન હોય. એને આંતરરાષ્ટ્રીય સ્તરેથી એટલે કે લશ્કર- એ- તોયબા કે ઈસ્લામિક સ્ટેટની મદદ મળ્યાનું નિશ્ર્ચિંત મનાય છે. ભૂતકાળમાં આ એન.ટી.જે.ના છોકરડાઓને પાકિસ્તાની છાવણીમાં તાલીમ અપાયાનું જગજાહેર છે.
તમિળ ભાગલાવાદીઓ સાથેની ભયંકર લોહિયાળ લડતનો એકાદ દાયકા અગાફ સફળતાપૂર્વક અંત લાવનારા આ ટાપુ દેશમાં તાજેતરના ધડાકા માટે ચર્ચ અને ઈસ્ટરની પસંદગીમાં ઘણાં સુચિતાર્થો છે. ન્યુઝીલેન્ડની મસ્જિદમાં થયેલા કત્લેઆમનો આ જવાબ હોવાનું મનાય છે.
પોતાના ગુપ્તચર તંત્ર થકી દિલ્હીએ સંભવિત હુમલાની કોલંબોને ચેતવણી આપવા છતાં આ માનવતાવિરોધી કૃત્ય થયું એ બતાવે છે કે લંકા પોતાની શાંતિમાં મસ્ત અને મશગૂલ હતું.
કમનસીબે બદલાતા રાજકીય માહોલ અને સમીકરણો વચ્ચે કોઈ દેશ કે વ્યક્તિને વધુ પડતાં સંતુષ્ટ થવાનું કે સલામતી વ્યવસ્થા પ્રત્યે આંખ મીંચામણા કરવાનું પરવડે એમ નથી. ન્યુઝીલેન્ડ જેવા કલ્પના બહારના દેશને ટાર્ગેટ બનાવાયો એવી જ પેટર્ન શ્રીલંકામાં દેખાઈ આવી.
જો લંકામાં વધુ હોળી થાય તો એની ઝાળ ભારતને કેવી રીતે લાગે એના ઉદાહરણ શોધવા દૂર જવું પડે એમ નથી. ભારતના શાંતિ રક્ષક દળના જવાનોની ખુવારી અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા શ્રીલંકાની સમસ્યાની ભારતે ચુકવેલી ભારે આકરી કિંમત છે.
રાજકીય આર્થિક અને લશ્કરી ગણતરીથી ભારતે બધા નહિ તો વધુમાં વધુ પાડોશી દેશ સાથે સારા સંબંધ રાખવા જ પડશે. નાના કે નબળા મિત્ર રાષ્ટ્રને મદદ કરવાનું ફરજિયાત છે, નહિતર કોઈ બીજું પગપેસારો કરી જાય. આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સોગઠાબાજીમાં દિલ્હીએ સતત સચેત અને સક્રિય રહેવું પડશે.
શ્રીલંકામાં મુસ્લિમ કે કોઈ પણ પ્રકારનો આતંકવાદ વકરે તો એના છાંટા ભારત પર ઉડ્યા વગર રહેવાના નથી. જે આતંકવાદી મરવા જ માગતા હોય એને કાયમ માટે રોકી શકાવાના નથી. એટલે યાદ રહે કે શ્રીલંકાની સંહારલીલા માટે જવાબદાર મનાતી એન.ટી.જે.ની આછીપાતળી હાજરી તમિળનાડુમાં ય હોવાના અહેવાલ હતા.
ભૂતકાળમાં લિબરેશન ઑફ તમિળ ટાઈગર્સ ઈલમ સાથે શસ્ત્રો અને તાલીમનો વાટકા વ્યવહાર કરનારા લશ્કર-એ-તોયબા પર વિશ્ર્વભરમાં દબાણ વધી રહ્યું છે. ત્યારે એ નવા વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનું જ. ટાપુ દેશમાં પગપેસારો કરવાના એના પ્રયાસ દોઢ દાયકાથી ચાલુ હતા.
આ ધડાકા નવી દિલ્હી માટે નાનોસૂનો પડકાર નથી. જરૂરી બધી મદદ કરવા સાથે શ્રીલંકામાં શાંતિ જળવાય એ ભારતના હિતમાં છે. એશિયા ખંડમાં શાંતિ માટે ભારતે કિંમત ચૂકવવી પડે અને આમ કરવામાં સફળ થઈને ભારત મોટોભા ન થઈ જાય એ માટે હવાતિયા કયા દેશ મારશે એ સૌ જાણે છે.
શ્રીલંકામાં ઝડપથી શાંતિ સ્થપાય અને જળવાય એ લાંબે ગાળે ભારત માટે હિતાવહ છે. દિલ્હી પાસેય આ બધાનો પ્રતિવ્યૂહ હશે એમાં કોઈ બેમત નથી.