ટ્રમ્પની ધમકીથી ભારતમાં ‘ઓઇલ’ સમસ્યા વકરશેApril 24, 2019

નવી દિલ્હી તા. 24
અમેરિકા 2 મે પછી કોઈ પણ દેશને ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની છૂટ નહીં આપે. જો કોઈ દેશ આવું કરશે તો અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસ તરફથી સોમવારે આ સંદર્ભમાં નિવેદન જાહેર કરાયું છે. અમેરિકાની ચેતવણીને પગલે તેની જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ ઈરાન પાસેથી આયાત કરનારા ભારતની સમસ્યા વધી શકે છે. ભારત, ઈરાક અને સાઉદી અરબ પછી ઈરાન પાસેથી જ સૌથી વધુ ક્રૂડ ખરીદે છે. સૂત્રો મુજબ સરકાર અમેરિકાના આ નિર્ણયની સમિક્ષા કરી રહી છે. ટ્રમ્પ તંત્રે ગયા વર્ષે નવેમ્બરમાં ઈરાનના ક્રૂડ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ તેણે ભારત સહિત 8 દેશોને વિકલ્પ શોધવા માટે 180 દિવસનો સમય આપ્યો હતો. આ 8 દેશોમાંથી 3 ગ્રીસ, ઈટાલી અને તાઈવાન ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરી ચૂક્યા છે. ભારત, ચીન, તુર્કી, જાપાન અને દક્ષિણ કોરિયા હજી પણ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરી રહ્યા છે. ઈરાન પાસેથી સૌથી વધુ ક્રૂડની આયાત ચીન અને ભારત કરે છે. તેઓ અમેરિકાની વાત નહીં માને તો તેમની સાથે અમેરિકાના દ્વિપક્ષીય વેપાર પર અસર પડી શકે છે. જાપાન અને દક્ષિણ કોરિયા, ઈરાનના ક્રૂડ ઓઈલ પર વધુ નિર્ભર નથી. તાજેતરના મહિનાઓમાં તેમણે તેની પાસેથી ક્રૂડ ખરીદવાનું ઓછું કર્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે બરાક ઓબામાના સમયે 2015માં ઈરાન સાથે થયેલી પરમાણુ સંધિ ગયા વર્ષે ખતમ કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પનું કહેવું છે કે તે વધુ સારી ડીલ ઈચ્છે છે. તેમણે ઈરાન પર ફરીથી પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. કેટલાક પ્રતિબંધ મે 2018માં અને કેટલાક નવેમ્બરમાં લાગુ થયા હતા. હજી સુધી ઈરાને અમેરિકાની શરતો માનવાના સંકેત આપ્યા નથી.