ગુજરાતમાં ઊંચું મતદાન; કયા પક્ષને નીચા જોણું કરાવશે ?April 24, 2019

અમદાવાદ,તા.24
ગુજરાતની 26 લોકસભા બેઠકો સહિત દેશની 115 લોકસભા બેઠકો માટે મતદાન પતી ગયું ને એકંદરે પાંસઠ ટકાની આસપાસ મતદાન થયું છે. એક વાત કબૂલવી પડે કે ધાર્યા કરતાં સારું મતદાન થયું છે. અત્યારે આખા દેશમાં કાળઝાળ ગરમી પડે છે ને બહાર નીકળે તો માણહ આખેઆખો પીગળીને વહ્યો જાય છે. કેટલાંક રાજ્યોમાં તો રીતસર હીટવેવ છે ને સત્તાવાર રીતે જ બપોરને તાકડે બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવેલી. ચૂંટણી પ્રચારનો માહોલ પણ એકદમ નિરસ છે ને લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેવી જમાવટ જ થતી નથી. આ બધાં કારણે એવું જ લાગતું હતું કે, આ વખતે મતદાનની ટકાવારી સાઠ ટકાને પાર કરે તો પણ ભયો ભયો. સદનસીબે આ બધી માન્યતાઓ ખોટી પડી છે ને આવા માહોલમાં પણ લોકો મોટા પ્રમાણમાં મતદાન કરવા નીકળ્યા એ સારી વાત કહેવાય.
બંગાળને બાદ કરતાં બીજે ઠેકાણે મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે ને સમ ખાવા પૂરતી પણ હિંસાની એક પણ ઘટના નથી બની. રાબેતા મુજબ ઈવીએમના કકળાટ કેટલાય ઠેકાણે થયા. તેના કારણે વિપક્ષોને ભાજપ પર પ્રહાર કરવાની તક પણ મળી છે પણ તેમાં કશું નવું નથી. એ દર ચૂંટણીનો સીન છે ને વિરોધ પક્ષવાળા દરેક વાર આ બધી વાતો કરતા હોય છે. ચૂંટણી પછી પરિણામ વિરુદ્ધમાં આવે તો એ પછી પણ થોડા દાડા કકળાટ કરે ને પરિણામ પોતાની તરફેણમાં આવે તો બધું ભૂલી જવાનું. એ પછી બધું માફ ને ઈવીએમ પણ એકદમ સારાં થઈ જાય. ટૂંકમાં ઈવીએમના કકળાટને કાને ધરવા જેવો નથી.
આ તબક્કામાં ગુજરાતમાં પણ મતદાન પૂરું થયું. ગુજરાતમાં એકંદરે 64 ટકાની આસપાસ મતદાન થયું છે ને આ ટકાવારી સારી છે તેમાં શંકા નથી. ગુજરાતમાં પણ કાળઝાળ ગરમીનો માહોલ છે તેના કારણે લોકો મતદાન કરવા બહાર આવશે કે કેમ તેમાં શંકા હતી. એ છતાં આટલું મતદાન થયું છે એ ખરેખર સારી વાત છે. જો કે આ વખતે મતદાનની જે પેટર્ન જોવા મળી છે એ બધા રાજકીય પક્ષોના જીવ ઊંચા કરનારી છે. ગુજરાતમાં ભાજપે 2014માં તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી ને આ બેઠકો જાળવવી હોય તો ઊંચું મતદાન કરાવવું પડે એવું ભાજપના નેતાઓ પણ માનતા હતા. અત્યારે જે મતદાન થયું છે એ ઊંચું નથી પણ ખરાબ પણ નથી પણ મૂળ મુદ્દો મતદાનની પેટર્ન છે. ગુજરાતમાં શહેરી વિસ્તારો ભાજપના ગઢ છે તેથી ત્યાં કેટલું મતદાન થાય છે એ બહુ મહત્ત્વનું નથી હોતું. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા એ શહેરી વિસ્તારોમાં પિસ્તાલીસ ટકા મતદાન થાય કે પંચાસી ટકા થાય પણ જીતવાનો તો ભાજપ જ છે. તેના કારણે આ બેઠકો પર મતદાનની ટકાવારી શું છે તે બહુ મહત્ત્વનું નહોતું પણ આદિવાસી પટ્ટા ને સૌરાષ્ટ્રમાં કેટલું મતદાન થાય છે તેના પર સૌની નજર હતી, કેમ કે ભાજપ ને કોંગ્રેસ બંને માટે આ બે વિસ્તાર મહત્ત્વના છે. ભાજપ આ વિસ્તારોમાં મેદાન મારે તો તેનો દબદબો જળવાય ને કોંગ્રેસ મેદાન મારે તો એ ફરી બેઠી થઈ જાય. આ વખતે ગુજરાતમાં આદિવાસી વિસ્તારની બેઠકો પર જંગી મતદાન થયું છે. તેમાં પણ બારડોલી ને વલસાડ એ બંને બેઠકો પર તો મતદાનની ટકાવારી સિત્તેર ટકાના આંકડાને પણ વટાવી ગઈ છે. સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર વગેરે આદિવાસી મતદારોની બહુમતી ધરાવતા મતવિસ્તારોમાં પણ મતદાનની ટકાવારી બીજા વિસ્તારો કરતાં સારી જ છે. આ બધા મતવિસ્તારોમાં પણ પાંસઠ ટકાની આસપાસ તેની સામે સૌરાષ્ટ્રમાં મતદાન સાવ ટાઢુંબોળ રહ્યું ને કોઈ ઠેકાણે મતદાનની ટકાવારી સાઠ ટકાને પાર નથી ગઈ. આ ટ્રેન્ડના કારણે ભાજપ ને કોંગ્રેસ બંને ગૂંચવાઈ ગયાં છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે, ઓછું મતદાન ભાજપને નુકસાન કરે ને વધારે મતદાન તેને ફાયદો કરાવે. ગુજરાતમાં બે અલગ અલગ વિસ્તારોમાં આ બંને ટ્રેન્ડ જોવા મળ્યા છે ત્યારે કોને ફાયદો થાય છે ને કોણ નુકસાનમાં રહે છે તે જોઈએ.