મતદાનની બેંકોમાં સજજડ રજાApril 23, 2019

બેંક કર્મચારીઓને ચૂંટણી કામગીરી સોંપાતા શાખાઓ પણ બંધ રાજકોટ તા. 23
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- ગુજરાતમાં આજે મતદાનની રાજ જાહેર કરવામાં આવતા બેંકો બંધ રહી હતી તેના કારણે કરોડો રૂપિયાના કલીયરીંગ અટકી પડયા હતા અને આજે નાણાકીય વ્યવહારો પણ ખોરવાઇ ગયા હતા.
ચૂંટણી પ્રક્રિયામાં બેંક કર્મચારીઓને પણ ડયૂટી સોંપાઇ હોવાથી આજે મંગળવારે રાષ્ટ્રીયકૃત બેંકોના કામકાજ બંધ રહેશે. તેથી સોમવારે લખાયેલા ચેક હવે મંગળવારને બદલે બુધવારે કલીયર થશે. ગત અઠવાડિયે ત્રણ રજા બાદ સોમવારે જ બેંકોના કામકાજ ચાલુ રહ્યા અને મંગળવારે ફરીથી બંધ રહેતાં આર્થિક વ્યવહારો પર અસર પડશે. જોકે, ચૂંટણી તૈયારી સમયે પણ બેંક કર્મચારીઓને તાલીમ આપવાની હોઇ તે દિવસે ઘણી શાખાઓ બંધ રાખવી પડી હતી અણધારી રજાઓને કારણે ખાતેદારો પરેશાન થયા હોવાની ઘણી ફરીયાદો ઊઠી હતી.
મતદાન પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં સ્ટાફની અનિવાર્યતા હોવાથી બેંક કર્મચારીઓની પણ સેવા લેવાઇ રહી છે. મંગળવારે બેંકના કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં હોવાથી મંગળવારે ગુજરાતમાં રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રાખવા નિર્ણય લેવાયો છે. ગત વીકએન્ડમાં ત્રણ રજા બાદ ફરી મંગળવારે બેંકોમાં રજા જાહેર થતાં બેન્કિંગ કામગીરી ઉપર અસર પડશે. બુધવારે બેંકો ખુલશે ત્યારે ઘસારો વધે તેવી સંભાવના છે.