આજથી ચીનમાં ‘દંગલ’ કરશે ભારતીય કુસ્તીબાજોApril 23, 2019

કિયાન (ચીન), તા. 23: ઑલિમ્પિક રમતોત્સવની કાંસ્યચંદ્રક વિજેતા સાક્ષી મલિક અને વિશ્ર્વનો સર્વોચ્ચ ક્રમાંકિત બજરંગ પુનિયા મંગળવારથી શરૂ થતી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો પડકાર ફેંકશે. આ ઉપરાંત, વિનેશ ફોગત પણ મહિલાઓની 53 કિલોગ્રામના વિભાગની હરીફાઈમાં ભાગ લઈ રહી છે.
ફોગતે બલ્ગેરિયામાં આ હરીફાઈમાં ભાગ લઈ રજતચંદ્રક જીત્યો હતો. બજરંગે પણ બલ્ગેરિયા મધ્યેની સ્પર્ધામાં પુરુષોની 65 કિલોગ્રામની હરીફાઈમાં ગોલ્ડ મેડલમેળવ્યો હતો.
રિયો ઑલિમ્પિકની કાંસ્યચંદ્રક વિજેતા સાક્ષીએ પણ 65 કિલોગ્રામની હરીફાઈમાં રજતચંદ્રક હાંસલ કર્યો હતો, પણ તે અહીં 62 કિલોગ્રામની હરીફાઈમાં ભાગ લેશે. નવજોત કૌર મહિલાઓની 65 કિલોગ્રામની હરીફાઈમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પૂજા ધાન્ડા 57 કિલોગ્રામની હરીફાઈમાં ભાગ લેનાર છે. બે વેળા ઑલિમ્પિક મેડલ જીતેલ સુશીલ કુમારની ગેરહાજરીમાં રાષ્ટ્રીય ચેમ્પિયન અમિત ધાનકર પુરુષોની 74 કિલોગ્રામની હરીફાઈમાં ભાગ લેનાર છે. તેણે 2013માં નવી દિલ્હી ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.