લોકસભા ચૂંટણી : ગુજરાતમાં પાંચ વાગ્યા સુધી 53 ટકા મતદાનApril 23, 2019

સારાંશ

  1. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 50.32 ટકા મતદાન
  2. બારડોલીમાં સૌથી વધુ 58.56 ટકા મતદાન
  3. પોરબંદરમાં સૌથી ઓછું 42.09 ટકા મતદાન
  4. દેશનાં અન્ય રાજ્યોમાં અત્યાર સુધી 51.34 ટકા મતદાન
  5. અરુણ જેટલીએ અમદાવાદમાં, મનમોહન સિંઘે આસામમાં મતદાન કર્યું
  6. પશ્ચિમ બંગાળમાં મતદાન સમયે હિંસા, એકનું મોત

રાજકોટ તા.23
રાજકોટ લોકસભા બેઠકનું આજે બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન ટંકારા સૌથી ઓછું મતદાન જસદણમાં થયું છે. બપોરના 11 વાગ્યા બાદ સૂર્યનારાયણના આકરા તાપના કારણે મતદારો જાણે ઘરમાં પુરાઇ રહ્યા હોય તેમ મતદાન મથકો વેરાન બન્યા હતા. તેના કારણે મતદાનની ટકાવારી ઘટી ગઇ હતી. જો કે બપોરના 3 વાગ્યા સુધીમાં 45 ટકા જેવું મતદાન થતા સાંજના 6 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારીનો આંકડો 60 ને પાર કરે તેવા સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે.
રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા અને કોંગ્રેસના ઉમેદવાર એવા ધારાસભ્ય લલિત કગથરા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઇ રહ્યો છે. આ બંને ઉમેદવાર સહિત કુલ 10 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે રાજકોટના મતદારોએ મતપેટીમાં સીલ કર્યુ છે. વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદારોની લાંબી કતારો જામી હતી. બાદમાં આકરા તાપ વધતા મતદારોની સંખ્યા ઘટી જવા પામી હતી.
બપોરના 11 વાગ્યા સુધીમાં રાજકોટ પૂર્વમાં 23.75 ટકા, રાજકોટ પશ્ર્ચિમમાં 24.82 ટકા, રાજકોટ દક્ષિણમાં 23.93 ટકા, રાજકોટ ગ્રામ્યમાં 26.3 ટકા, જસદણમાં 24.12 ટકા, ગોંડલમાં 25.29 ટકા, જેતપુરમાં 23.74 ટકા અને ધોરાજીમાં 21.73 ટકા મતદાન થયું હતું. આમ બપોરના 11 વાગ્યા સુધીમાં રાજકોટમાં કુલ 24.23 ટકા મતદાન થયું છે. ગરમીનો પારો જેમ જેમ વધતો ગયો તેમ તેમ મતદાનની ટકાવારી પણ વધતી ગઇ હતી. બપોરે બે વાગ્યા સુધીમાં રાજકોટ બેઠકમાં સૌથી વધુ ટંકારામાં 46.52 ટકા, વાંકાનેરમાં 43.34 ટકા, રાજકોટ પૂર્વમાં 37.96 ટકા, રાજકોટ પશ્ર્ચિમમાં 40.34 ટકા, રાજકોટ દક્ષિણમાં 38.35 ટકા, રાજકોટ ગ્રામ્યમાં 39.24 ટકા અને જસદણમાં 33.83 ટકા મતદાન થયું હતું. આમ રાજકોટ જીલ્લામાં કુલ 39.91 ટકા મતદાન નોંધાયું હતું. જે બપોરે 3 વાગ્યે 45 ટકા આસપાસ થઇ ગયું હતું. રાજકોટ જીલ્લામાં કુલ 18.82 લાખ મતદારમાંથી કુલ 751775 મતદારોએ મતદાન કર્યુ છે. તેમાં 430142 પુરૂષ અને 321631 સ્ત્રી મતદારનો સમાવેશ થાય છે.
રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા સાત બેઠકમાં બપોરે એક વાગ્યા સુધીમાં સૌથી વધુ ટંકારામાં 46.52 ટકા, વાંકાનેરમાં 43.24 ટકા, રાજકોટ પૂર્વમાં 37.96 ટકા, રાજકોટ પશ્ર્ચિમમાં 40.34 ટકા, રાજકોટ દક્ષિણમાં 38.35, રાજકોટ ગ્રામ્યમાં 39.21 ટકા અને જસદણમાં 33.83 ટકા મતદાન થયું હતું.
ટંકારા-પડધરીના ધારાસભ્ય એવા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ કગથરાના મત વિસ્તારમાં તોતીંગ મતદાન થતા ભાજપની છાવણીમાં સન્નાટો ફેલાઇ જવા પામ્યો છે. જો કે હજુ મતદાનના ત્રણ કલાક જેવો સમય બાકી હોય શહેરી વિસ્તારોના મતદારો બપોર પછી મતદાન કરવા ઉમટી પડે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સમાવેશ થતા જસદણ ધારાસભ્ય બેઠકમાં સૌથી ઓછું મતદાન થયું છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં ભળેલા અને મંત્રી બનેલા કુંવરજીભાઇ બાવળીયાના મત વિસ્તારમાં મતનું ગાબડુ પડતા ચૂંટણીના પરીણામમાં નવાજુની થવાના સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે.
કોળી મતદારો ઉપર ભાજપે વધુ જોર અજમાવ્યું હતું. તે જ વિસ્તારમાં મતદાન કરવામાં લોકોનો નિરુત્સાહ જોવા મળ્યો છે. આથી રાજકોટ બેઠકના પરીણામ ઉંધુ ચતુ આવે તો નવાઇ નહીં તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.