તાજીયા ગેંગ સાગરીતના રીમાન્ડ પૂરા થતા જેલહવાલેApril 22, 2019

 હથીયાર આપનાર રાધનપુરના
શખ્સની શોધખોળ
જામનગર : જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર દિવસ પૂર્વે રાજકોટ રહેતા લૈયારાના કુખ્યાત શખ્સને ચાર હથિાર સાથે પકડી પાડ્યો હતો. તાજીયા ગેંગ સાથે સંબંધ ધરાવતા આ શખ્સની પુછપરછ કરવા એલસીબી પોલીસે ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. પરંતુ રીમાન્ડ દરમયાન કોઇ ઠોસ વિગતો સામે આવી ન હતી. બીજી તરફ રાધનપુરના શખ્સની પણ ભાળ મળી નથી. એમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
મળતી વિગત મુજબ જામનગરમાં એલસીબી પોલીસે બે પિસ્ટલ અને બે તમંચા સાથે તાજીયા ગેંગના સાગરીતને પકડી પાડ્યા બાદ ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. જેની મુદત પૂર્ણ થતા અદાલતમાં રજૂ કરતા તેને જેલહવાલે કરાયો છે. શહેરમાં એલસીબીની ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે વોચ ગોડવીને કારમાં નિકળેલા તાજીયા ગેંગના સાગ્રીત રાજકોટમાં રહેતા વસીમ ઉર્ફે છોટીયો આમદભાઇ સુમરા (મુળ લૈયારા)ને બે પિસ્ટલ અને બે તમંચા ઉપરાંત 21 જીવંત કાર્ટીસ સાથે પકડી પાડી હથિયારો અને વાહન સહિત રૂા.3.2 લાખની મતા કબ્જે કરી હતી.
દરમ્યાન પોલીસે તેને અદાલતમાં રજૂ કરી ત્રણ દિવસા રીમાન્ડ મેળવીને પુછપરછ હાથ ધરી હતી. આ હથિયાર તેણે રાધનપુરના જ તાજીયા ગેંગના અન્ય સાગરીત કનુ ભીલ પાસેથી મેળવ્યાનું ખુલ્યું હતું. આ શખ્સના રીમાન્ડની મુદત પૂર્ણ થતા તેને અદાલતમાં રજુ કરાતા જેલ હવાલે કરાયો હતો. ત્રણ દિવસની પૂછપરછ કર્યા બાદ હથિયાર સપ્લાય કરનાર રાધનપુરના શખ્સની ભાળ મળી નથી પરંતુ તેના આશ્રય સ્થાનો અંગે પોલીસ પાસે ઠોસ વિગતો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.