વીર વીરાની સમજણApril 20, 2019

રાજગઢ ગામમાં ઉનાળાનો માહોલ જામ્યો છે. વૃક્ષો અને લીલીછમ્મ હરિયાળીના કારણે લોકોને અસહ્ય ગરમીનો અહેસાસ થતો નથી અને ગરમીનો પણ તેઓ આનંદ લઇ રહ્યા છે. પરીક્ષા શરૂ થવાના દિવસો છે એટલે વીર વીરા અને દોસ્તો પણ પોતાના ભણવામાં ધ્યાન આપી રહ્યા છે. રાજગઢમાં બગીચા પાસેથી ખુલ્લી જગ્યામાં એક બંગલો ઘણા સમયથી બનતો હતો. જે હવે પૂર્ણ થવાના આરે હતો. શાળાએ જતા, આવતા બાળકો માટે એ રસનો વિષય બનતો જતો હતો કે આ બંગલામાં કોણ રહેવા આવશે? અને બાળકોના આશ્ર્ચર્ય વચ્ચે એક દિવસ જોયું તો બહાર કાર હતી અને કપડાં સુકાતા જોયા તથા પોતાના જેવડા બે બાળકો પણ અગાશીમાં રમતા હતા. બધાએ વિચાર્યું ચાલો તેમની ટોળીમાં બે નવા મિત્રોનો ઉમેરો થશે. હવે દરરોજ શાળાએથી આવતા જતા મિત્રો ત્યાં જોતા અને કયારેક બંને સામુ હસી પણ લેતા હતા.
એક દિવસ મિત્રો શાળાએ જતા હતા ત્યાં એક વૃધ્ધા જે બંગલા પાસે કચરો ભેગો કરતા હતા અને વાળતા હતા તેની સાથે બંને બાળકો ઝઘડો કરતા હતા અને અપમાનિત શબ્દો બોલી ગુસ્સો કરતા હતા. વીર-વીરા અને દોસ્તોએ આ જોયું તેમને જરાપણ ગમ્યું નહીં. તેઓ પેલા વૃધ્ધા પાસે ગયા અને દુ:ખી થયેલ વૃધ્ધાને આશ્ર્વાસન આપ્યું અને હાથ પકડીને ચાલવા લાગ્યા. થોડે આગળ જઇ વીરા તેને કંઇક સમજાવવા લાગી. વૃધ્ધા રડવા જેવા થઇ ગયા હતા તેના મોં પર સ્મિત આવી ગયું. બીજા દિવસે બાળકો નિયમિત રીતે શાળાએ જવા લાગ્યા. ત્રીજો દિવસ પણ પસાર થઇ ગયો અને ચોથા દિવસે જોયું તો બંને બાળકો ઝાડુ લઇને બંગલા પાસે સફાઈ કરતા હતા. થાક અને પરસેવે રેબઝેબ હતા. ત્રણ દિવસથી સફાઈ કરનાર પેલા વૃધ્ધા આવ્યા નહોતા. તેથી ખૂબ જ ગંદકી અને કચરો થઇ ગયો હતો. વીર-વીરાએ આ જોયું અને તેની પાસે ગયા તો થાકથી તેઓના બેહાલ હતા. પછી વાત કરી અને જણાવ્યું કે જે સફાઈકર્મીઓ આપણા ઘરની આસપાસ ગંદકી કચરો સાફ કરે છે, જેને કારણે આપણને સ્વચ્છ હવા અને વાતાવરણ મળે છે. તેઓ આપણા સમાજનો મહત્વનો હિસ્સો છે. તેને નીચા ગણી અપમાનીત કરવા જોઇએ નહી. કારણ જો તેઓ નહીં હોય તો આપણે બધા ગંદકી અને કચરાના કારણે બિમાર પડી જઇશું. પેલા બંને બાળકોને તેની વાત સાચી લાગી. તેણે કહ્યું કે, ‘હવે શું કરીએ? અમે તેની સાથે ખરાબ વર્તન કર્યું છે, અમે તેની માફી માગવા ઈચ્છીએ છીએ.’
એટલીવારમાં તો વીર-વીરાની યોજના પ્રમાણે વૃધ્ધા સ્મિત કરતા સામેથી આવ્યા અને બંને બાળકો તેની પાસે દોડી ગયા અને માફી માંગી.
વૃધ્ધાએ પણ બાળકોના હાથમાંથી ઝાડુ લઇ લીધું અને બાળકોના માથે હાથ ફેરવ્યો. વીર-વીરા અને દોસ્તો ખુશ ખુશ થઇ ગયા અને પેલા વૃધ્ધાએ પણ બધાનો આભાર માની આશીર્વાદ આપ્યા.
બોધ: કયારેય કોઇ માણસને નીચા ગણવા નહીં જે સફાઈકર્મીઓના કારણે આપણો મહોલ્લો, ગામ અને શહેર સ્વચ્છ રહે છે તેને આપણે માન-સન્માન આપવું જોઇએ, અપમાનિત કરવા જોઇએ નહીં.