પાકિસ્તાને જાહેર કરી વર્લ્ડકપ માટેની ટીમApril 19, 2019

નવીદિલ્હી તા,19
પાકિસ્તાને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપ-2019 માટે ગુરૂવારે પોતાની ટીમની જાહેરાત કરી છે. 15 સભ્યોની આ ટીમ માટે સરફરાઝ અહેમદને કેપ્ટન બનાવાયો છે. ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહેલા મોહમ્મદ હફીઝ પર પસંદગીકર્તાઓએ વિસ્વાસ મુક્યો છે, પરંતુ ફોર્મથી બહાર ચાલી રહેલા ચેમ્પિયન બોલ મોહમ્મદ આમિરને ટીમમાં સ્થાન મળ્યું નથી. આસિફ અલી પણ સ્થાન મેળવી શક્યો નથી. ઉલ્લેખનીય છે કે, 30 મે, 2019થી વર્લ્ડ કપની શરૂઆત થવાની છે.
આઈસીસીની વેબસાઈટ મુજબ પાકિસ્તાનના પસંદગીકર્તાઓએ ગુરુવારે બે ટીમની જાહેરાત કરી હતી. પ્રથમ ટીમ (15 સભ્યો) જે વર્લ્ડ કપ રમશે અને બીજી ટીમ (17 સભ્યો), જે ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન વનડે શ્રેણી રમશે. ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે પસંદ કરવામાં આવેલા મોહમ્મદ આમિર અને આસિફ અલીને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું નથી. બાકીના તમામ ખેલાડી બંને શ્રેમી માટે પસંદ કરાયા છે.
પાકિસ્તાનની વર્લ્ડ કપની ટીમમાં 3 ઓપનર, 4 મિડલ ઓર્ડરના બેટ્સમેનને સ્થાન અપાયું છે. સરફરાઝ અહેમદ વિકેટકીપર અને બેટ્સમેન છે. આ ઉપરાંત ટીમમાં બે સ્પિનર અને 5 ફાસ્ટ બોલરને સ્થાન મળ્યું છે. મુખ્ય પસંદગીકર્તાએ જણાવ્યું કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરાઈ છે. જેમાં સરફરાઝ અહેમદ(કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, આબિદ અલી, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હફીઝ, શાદાબ ખાન, ઈમાદ વસીમ, હસન અલી, ફહીમ અશરફ, શાહીન અફરીદી, જૂનૈદ ખાન, મોહમ્મદ હસનૈન, હેરિસ સોહેલનો સમાવેશ થાય છે.