આજે RCBની KKR સામે ‘કસોટી’April 19, 2019

કોલકાતા : પોતાની આઠ મેચમાંથી થયેલા સાત પરાજયના કારણે પાછળ રહી ગયેલી વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આર. સી. બી.)ની ટીમ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં આગેકૂચ કરવા કોલકાતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર.) સામે શુક્રવારે અહીં રમાનારી મેચમાં વિજય મેળવવાનો મરણિયો પ્રયાસ કરશે.
નાઈટ રાઈડર્સ ઉપરાઉપરી ત્રણ નિષ્ફળતા પછી પોઈન્ટ-કોષ્ટકમાં તેના બીજા સ્થાનેથી છઠ્ઠા ક્રમે નીચે સરકી પડી છે અને આત્મવિશ્ર્વાસ ગુમાવી બેઠેલી તે ટીમ સામે જીતવાનો રોયલ ચેલેન્જર્સને આ સોનેરી મોકો છે.
નાઈટ રાઈડર્સની ટીમની સમસ્યામાં વધારો કરતા તેના ફટકાબાજ બેટ્ સમેન આન્દ્રે રસેલને પ્રેક્ટિસ દરમિયાન ડાબા ખભા પર બાઉન્સર બોલ લાગતા તેની ઈજાનો ભય રહેલો છે. તે આજે કદાચ ન પણ રમે.
રસેલ ચેન્નઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં પણ ઈજાની પીડામાં રમ્યો હતો અને વર્તમાન સ્પર્ધામાં પહેલી વેળા તે કોઈ મોટો વ્યક્તિગત સ્કોર નોંધાવી શક્યો ન હતો કે જેમાં નાઈટ રાઈડર્સની ટીમનો વેસ્ટ ઈન્ડિઝના તે ખેલાડી પર રહેતો વધુ પડતો આધાર સ્પષ્ટ થયો હતો. દરમિયાન બધાની નજર નાઈટ રાઈડર્સની ટીમના કેપ્ટન દિનેશ કાર્તિક પર હશે જેની ભારતની વર્લ્ડ કપની ટીમમાં યુવાન વિકેટકીપર રિષભ પંતને બદલે આશ્ર્ચર્યજનક પસંદગી થઈ છે. મેચ : રાતે 8 વાગ્યે.