નીતિશનો ટોણો : લાલુ જેલ મેં ફોનવા ઘુમાવત હૈ!April 03, 2019

પટણા, તા. 3
મારા કટ્ટર પ્રતિસ્પર્ધી અને રાજદના વડા લાલુ પ્રસાદ યાદવ જેલના કેદીઓને લગતા નિયમોનો ભંગ કરીને ટેલિફોન મારફતે એમના સાથીઓના સતત સંપર્કમાં રહે છે એવો આક્ષેપ બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે મંગળવારે કર્યો હતો.
જોકે, જનતા દળ (યુ)ના વડા નીતિશકુમાર દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે એમ કહીને નકારી કાઢ્યો હતો કે છેલ્લા એક મહિનાથી હું પણ મારા પિતા સાથે વાત નથી કરી શક્યો.
જેલના નિયમાનુસાર લોકો લાલુ પ્રસાદ યાદવને માત્ર શનિવારે જ મળી શકે છે એમ જણાવતાં તેજ પ્રતાપે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પરાજય ભાળી ગયેલા નીતિશકુમાર પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે.
ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં નીતિશકુમારે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર અંગે વાત કરી હતી જેમનો તેમણે ગયા વરસે જેડી (યુ)માં સમાવેશ કર્યો હતો.
પ્રશાંત કિશોરને પક્ષમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હોવાનું તેમણે નકારી કાઢ્યું હતું. ભાગલપુર મતદારક્ષેત્રમાંથી ઉમેદવારી ન મળી તે માટે જેડી (યુ)ને દોષ દેનાર ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈન પરત્વે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
વર્ષ 2014માં શાહનવાઝ ભાગલપુર બેઠક પરથી હારી ગયા હતા. નીતિશે કહ્યું હતું કે એ તો જાણીતી વાત છે કે જેલના તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને લાલુ યાદવ તેમના સાથીદારોને ફોન કરી સતત તેમની સાથે સંપર્કમાં રહે છે.
નેવુંના દાયકાના આરંભમાં લાલુ પ્રસાદ યાદવ અવિભાજિત બિહારના મુખ્ય પ્રધાન હતા. રાજ્યની તિજોરીમાંથી છેતરપિંડી કરીને રૂપિયા ઉપાડવાને લગતા ઘાસચારા કૌભાંડ કેસને મામલે લાલુ પ્રસાદ જેલની સજા ભોગવી રહ્યા છે. જુદી જુદી બીમારીનો સામનો કરી રહેલા લાલુ યાદવને હાલ સારવારાર્થે રાંચીસ્થિત રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.