કૃષિ બજેટ: વિચાર સારો છે, અમલ થશે?April 03, 2019

લોકસભાની ચૂંટણીનો જંગ જામતો જાય છે ને પ્રથમ તબક્કાના મતદાન આડે ગણીને અઠવાડિયું બચ્યું છે એ સાથે જ ચૂંટણી ઢંઢેરાઓની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપે હજુ તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો નથી પણ કોંગ્રેસે મંગળવારે પોતાનો ઢંઢેરો જાહેર કરી દીધો.
જો કે કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં એક સાવ નવી વાત લઈ આવી છે અને આ વાત ખેડૂતો માટે અલગ બજેટની છે. રાહુલ ગાંધીએ એલાન કર્યું છે કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો અલગથી કિસાન બજેટ રજૂ કરાશે. આપણે ત્યાં અત્યારે એક જ બજેટ રજૂ થાય છે પણ પહેલાં સામાન્ય બજેટ ને રેલવે બજેટ એમ બે બજેટ રજૂ થતાં હતાં. ભાજપની નરેન્દ્ર મોદી સરકારે રેલવે બજેટનું પડીકું કરી નાંખ્યું પછી છેલ્લાં બે વર્ષથી કેન્દ્રીય નાણાં મંત્રી સામાન્ય બજેટ રજૂ કરે છે ને તેમાં બધું આવરી લે છે. રાહુલ ગાંધીની યોજના જે રીતે અગાઉ રેલવે બજેટ અલગથી રજૂ કરાતું હતું એ રીતે કિસાન બજેટ રજૂ કરવાની છે.
મોટા ભાગનાં લોકોને આ વિચાર એક તુક્કો લાગશે પણ આપણે ત્યાં ખેતીનો જે વ્યાપ છે ને આપણા અર્થતંત્ર પર તેની જે અસર છે એ જોતાં તેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે જ. એ માટે અલગ બજેટનો વિચાર એક શરૂઆત તરીકે અમલમાં બનાવવા જેવો ખરો. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વ્યાપ વિશાળ છે અને જાણીને આંચકો લાગશે પણ આ દેશની કુલ વસતીમાંથી 52 ટકા વસતી સીધી યા આડકતરી રીતે ખેતી પર નિર્ભર છે. આ આંકડા સરકારી છે તેથી તેની સામે વાંધો લઈ શકાય એમ નથી. ભારતમાં કુલ 30 કરોડ જેટલા લોકો નાના ખેડૂતો અથવા ખેતમજૂરો છે. દેશની કુલ વસતીમાં એ રીતે 22 ટકા જેટલાં લોકો ખેતી પર સીધી રીતે નિર્ભર છે ને ખેતી જ તેમની આજીવિકાનું સાધન છે. ગ્રામીણ વિસ્તારોમાં તો આ પ્રમાણ 30 ટકા કરતાં વધારે છે. ખેતી દેશના અર્થતંત્રમાં બહુ મોટું યોગદાન આપે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવક (જીડીપી)માં 18 ટકા જેટલો હિસ્સો ખેતીનો છે.
કૃષિ ક્ષેત્રને લગતા બીજા પણ ઘણા આંકડા આપી શકાય. દેશની નિકાસથી માંડીને દેશમાં જ ખેતી આધારિત ઉદ્યોગોના કારણે મળતી રોજગારીનો આંકડો બહુ મોટો થાય. આપણે આ બધા આંકડાની માયાજાળની વાતમાં નથી પડતા પણ મૂળ મુદ્દો એ છે કે ખેતી આ દેશમાં આજેય મુખ્ય આજીવિકાનું સાધન છે જ. હવે આટલા બધાં લોકો ખેતી પર નભે છે ને ખેતીના કારણે આપણને આટલી બધી કમાણી થાય છે એ છતાં ખેતી માટેનું બજેટ કેટલું છે એ ખબર છે ? કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય પાસે માંડ 42 હજાર કરોડનું બજેટ હોય છે. એ બજેટમાંથી કૃષિ મંત્રાલયના કર્મચારીઓના પગાર પણ કરવાના ને ખેતી માટેની યોજનાઓ પણ ચલાવવાની. આ દેશમાં 30 કરોડ લોકો ખેતી પર નભે છે એવું માનીએ તો પણ એક ખેડૂત કે ખેતમજૂરદીઠ સરકાર માંડ 1400 રૂપિયા ફાળવે છે. આ રકમ બહુ ઓછી કહેવાય ને એટલે જ કૃષિ માટે અલગ બજેટ હોવું જરૂરી છે.
કૃષિ માટે અલગ બજેટની જરૂર બીજાં કારણોસર પણ છે. ખેતી એટલે કે કૃષિ ક્ષેત્ર આપણે ત્યાં મહદ અંશે બિનસંગઠિત છે. સર્વિસ સેક્ટરની કંપનીઓ કે ઉદ્યોગોમાં કામ કરતા લોકો માટે નક્કર કાયદા છે, તેમના વળતરથી માંડીને તેમની નિવૃત્તિ પછીની જિંદગી સારી જાય તે માટેના નિયમો છે. તેમની સરખામણીમાં કૃષિ ક્ષેત્ર બહુ વિશાળ હોવા છતાં તેના માટે એવા કોઈ નિયમો નથી કે તેમાં કામ કરતા લોકો માટે કોઈ યોજનાઓ નથી. ચૂંટણી આવે ત્યારે સરકાર ખેડૂતો કે ખેતમજૂરોને રીઝવવા ટુકડા ફેંકે તેના સિવાય બીજું કશું નક્કર તેમના માટે થતું નથી. ખેતી માટે અલગ બજેટ હોય તો એ પ્રકારની યોજનાઓ બનાવી શકાય અને બહુ મોટા વર્ગને તેના હેઠળ લાભ આપી શકાય. ખેડૂતો અને ખેતમજૂરો માટે સ્વાસ્થ્ય કે જીવન વીમા જેવી યોજનાઓ દાખલ કરી શકાય.
જો કે કૃષિ બજેટનો સૌથી મોટો ફાયદો બીજા મોરચે થાય. આપણે ત્યાં કૃષિ સંશોધન સાવ નગણ્ય છે. દેશને વફાદાર વિજ્ઞાનીઓ પોતાની રીતે મથ્યા કરે પણ સરકાર ઝાઝું કરતી નથી ને તેના કારણે આપણે દુનિયામાં સૌથી વધારે કૃષિલાયક જમીન ધરાવતા હોવા છતાં કોઈ પાકમાં વિશ્ર્વ સ્તરે આપણે દાદાગીરી કરવાની સ્થિતિમાં નથી. આપણે દુનિયામાં ખેતી પર નભતા સૌથી મોટા દેશોમાં એક છીએ પણ આપણી પાસે એવી કોઈ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ જ નથી કે જેના જોરે આપણે દુનિયા પર દાદાગીરી કરી શકીએ. મલેશિયા જેવો નાનકડો દેશ રબરના ઉત્પાદન દ્વારા વટથી જીવે છે. બ્રાઝિલ કોફી બીન્સ દ્વારા દુનિયાભરમાં દાદાગીરી કરે છે પણ આપણી પાસે કશું નથી. એક સમયે આપણી પાસે શણ એવી પ્રોડક્ટ હતી પણ તેમાંય બાંગ્લાદેશ આપણાથી આગળ નીકળી ગયું છે.
આપણી પાસે દૂધનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે પણ તેની પ્રોડક્ટમાં પણ આપણો વટ નથી. આવી દાદાગીરી કરવા માટે કૃષિ સંશોધનનું પ્રમાણ વધારવું પડે. દુનિયામાં માંગ હોય એવી પ્રોડક્ટ બનાવવી પડે. કૃષિ માટે અલગ બજેટ હોય તો એ થઈ શકે, બાકી અત્યારે ચાલે છે એ રીતે ચાલ્યા કરે.
આપણે ત્યાં ખેતીમાં બીજી એક સમસ્યા સિંચાઈની છે. આજેય ખેતી વરસાદી પાણી પર નિર્ભર છે અને પૂરતી સિંચાઈની વ્યવસ્થા જ નથી. આ વ્યવસ્થા કરવા માટે પણ અલગ બજેટ જરૂરી છે. કૃષિ ક્ષેત્રની જરૂરિયાતો અંગે આ તો ઉપરછલ્લી વાત કરી પણ એ સિવાય બીજું ઘણું કરવા માટે અલગ બજેટ જરૂરી છે.
કેન્દ્રમાં જેની પણ સરકાર આવે એ આ વિચારને અમલી બનાવે તો દેશને ચોક્કસ ફાયદો થાય.