પાકિસ્તાનમાં હિન્દુઓને ધર્મસંકટApril 02, 2019

નવી દિલ્હી: નવી દિલ્હીમાં પાકિસ્તાન છોડી ભારત આવેલા હિન્દુઓ માટે બનાવેલા રેફ્યુજી કેમ્પમાં દરેક વ્યક્તિના જીવનની અલગ જ કહાની છે. પાકિસ્તાન છોડવાનો નિર્ણય તેમના માટે આસાન નહોતો, પરંતુ તેમણે કેમ આવો અઘરો નિર્ણય લેવો પડ્યો તે જાણીને તમને ધ્રુજારી છૂટી જશે. ચાળીસીમાં પ્રવેશી ચૂકેલા ધર્મુ ‘માસ્ટર’ 2017માં ભારત આવ્યા હતા. તેમની પત્ની અને ત્રણ બાળકોએ તેમના સિંધમાં આવેલા ગામથી થાર એક્સપ્રેસ પકડી અને રાજસ્થાન જોધપુર સ્ટેશન પર ઉતર્યા. તેમણે જણાવ્યું, ‘અમને હરિદ્વાર જવાના વિઝા મળ્યા હતા. પરંતુ પાકિસ્તાનમાં અમારૂ ઘર છોડતી વખતે અમને ખાતરી હતી કે અમે અહીં પાછા નહિ ફરીએ. ત્યાં મારો બિઝનેસ જામી ગયો છે. પરંતુ અમારા પાડોશીએ પણ અમને ટાર્ગેટ કરવા માંડ્યા હતા એટલે અમારે દેશ છોડવો પડ્યો.’તકલીફ 2016માં શરૂ થઇ. ધર્મુએ નવી દુકાન ખોલી અને તેના બોર્ડ પર હિન્દુ ધાર્મિક ચિન્હો દોરાવ્યા. તેમને આ ચિન્હો હટાવવાની ફરજ પડાઇ હતી. તેમણે જ્યારે માનવાનો ઇનકાર કર્યો તો તેમની દુકાનમાં તોડફોડ કરી દેવાની ધમકી અપાઇ. ધર્મુએ પોતાનો ધંધો છોડી દેવો પડ્યો. અત્યારે તેમની પાસે સ્થિર આવક નથી. જો કે તે જણાવે છે કે તેમને ભારત આવીને તેમનો આત્મવિશ્ર્વાસ અને સ્વાભિમાન પાછા મળી ગયા છે. આટલી તકલીફ છતાંય વડવાઓનું ઘર છોડવું તેમના માટે આસાન નહતું. પાકિસ્તાનનો હૈદ્રાબાદ જિલ્લો છોડી આવેલા 60 વર્ષના મેઘી જણાવે છે, ‘પોતાનું ઘર છોડીને કોઇ સ્વેચ્છાએ ન આવે. અમને પાકિસ્તાન છોડવાની ફરજ પડી છે કારણ કે અમારી પાસે વિકલ્પ નથી. કોઇ અમને સુરક્ષાની ગેરેન્ટી આપે તો અમે પાછા જતા રહીશું. અત્યાર માટે તો ભારત જ અમારો દેશ છે.’