ન્યૂઝપોર્ટલ્સ: સહી ન માનો, ચુનાવ હૈ !April 02, 2019

ભારતીય પ્રસાર માધ્યમના ક્ષેત્રમાં ડીજીટલ ક્રાંતિ થયાના દિવસથી ન્યુઝપોર્ટલોનો તો ખરા અર્થમાં વરસાદ થયો છે. મોટામોટા મીડિયા જૂથોથી માંડીને પુરક ઇન્ડસ્ટ્રી તરીકે આ વ્યવસાયમાં ઉતરેલી ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ સુધીના ન્યુઝપોર્ટલો ઇન્ટરનેટની મહાજાળમાં કાર્યરત છે. ‘હીટસ’, ‘પેજન્યુઝ’, ‘પેડન્યુઝ’, જાહેરખબરોનું એક આર્થિક ચક્ર છે, ઇન્ટરનેટ પર અને એની આસપાસ સમાચારોનો શણગાર માંડેલા ન્યુઝપોર્ટલો આપણને સાર્વત્રીક રીતે કે અબાધીત રીતે સતત જોવા મળે છે. ચટપટી બાતમીઓથી ભરચક ગરમ મસાલા જેવા આ ન્યુઝપોર્ટલોને ગંભીરતાથી લેવાની જરાય જરૂર નથી, પણ ઝટપટ પ્રસારને કારણે આજના વાતાવરણમાં તેની દખલ લેવી આવશ્યક છે.
જો કે, બધા જ ન્યુઝપોર્ટલ માર્કેટીંગ માટે જ છે કે માત્ર ‘ગલ્લાભરુ’ છે એવું પણ નથી. બાતમીઓમાં ચપળતા, કસોટીએ ચડવાની તૈયારી, પ્રામાણીકતા અને સ્વતંત્ર ટેકીલાપણું વગેરે વૃતિ અને વિચારથી ચાલતાં ન્યુઝપોર્ટલની પણ કમતરતા નથી. આવા જ એક ન્યુઝપોર્ટલે તાજેતરમાં ચૂંટણી સંબંધી એક એપની કરમકથાનાં પાનાં પોતાના પોર્ટલ પર ખોલ્યા હતા. જનતાના હિતાર્થે જારી કરવામાં આવ્યાનો દાવો કરનારી આ એપ તમને તમારા લોકસભા કે વિધાનસભા મતદાર ક્ષેત્રના લોકપ્રતિનિધિને માર્કસ આપવાનું આહ્વાન કરે છે. અન્ય યુઝરોએ કરેલી નોંધ અનુસાર વિશ્ર્લેષણ કરીને આ એપ તમારી સમક્ષ લોકસભાનું સંભવિત ચિત્ર રજુ કરે છે. ટુંકમાં એપ લોકસભાની ચૂંટણી વિશે તમારો મત જાણી લે છે. હાલમાં ચૂંટણીની મોસમ છે એટલે ઘરેઘરે ચૂંટણી અગાઉ અંદાજ માંડીને ચર્ચા કરવાનો ટ્રેન્ડ ચાલે છે. એમાં વળી આ એપનો ઉમેરો થાય છે. અહીં સુધી તો બધુ ઠીક છે, પણ એપ એના વપરાશકર્તાને દસ હજાર રૂપિયા સુધીનાં ઇનામો જીતવાની લાલચ પણ આપે છે ! આ એપની કામ કરવાની પદ્ધતિ જોઇને આપણે વાત કરીએ છીએ એ ન્યુઝપોર્ટલે એપની તમામ પાર્શ્ર્વભુમિ ખોદી-ખોજી કાઢી. એ શોધમાંથી કેટલાક મોટા રાજકીય સલાહકારો, ઇન્ડસ્ટ્રીયલ જૂથ, મીડિયા જૂથ વગેરેનાં નામો ખુલ્યા... ખેર આપણી વાતનો વિષય એ નથી. ન્યુઝપોર્ટલે કરેલા સંશોધન-ખોજતપાસમાંથી એવું જાણવા મળ્યું હતું કે, યુઝરોની માહિતીનો બહુ મોટો જથ્થો એકઠો થયો છે અને બરાબર આ જ મુદ્દો ચૂંટણીના કાળમાં બહુ જ મહત્વનો બની શકે છે, એવી ચર્ચા હવે શરૂ થઇ છે.
બીજી વાત એવી છે કે, આ એપ પર રજીસ્ટ્રેશન કરનારા યુઝરે પોતાનું નામ, મોબાઇલ ફોન નંબર, મતદાર સંઘ, રહેણાંકનું સરનામુ, રાજકીય વલણ, લોકપ્રતિનિધિ વિશેનો અભિપ્રાય વગેરે જાણકારી આપવી પડે છે. આ જાણકારી લોકસભાની ચૂંટણીમાં પ્રભાવકારી બની શકે છે. એવો દાવો વિશ્ર્લેષકો કરે છે. દાખલા તરીકે કોઇ એક મતદાર ક્ષેત્રમાંથી કેટલાક સેંકડો લોકોએ આ એપ પર પોતાનાં નામ રજીસ્ટર કર્યા અને માગણી અનુસાર તમામ માહિતી આપી તો આ માહિતીનું વિશ્ર્લેષણ કરીને સંબંધિત મતદાર ક્ષેત્રમાં લોકોનું રાજકીય વલણ કે ઝોક શું હશે તે આપોઆપ પ્રગટ થઇ જાય છે. એ જાણકારી એ મતદાર ક્ષેત્રના ઉમેદવાર માટે સામે પીરસાયેલા મારણ જેવું ઠરે એમ છે. આ જાણકારીનો ઉપયોગ કરીને સંબંધિત મતદારો પર પ્રભાવ પાડી શકાય એવી શકયતાઓ નકારી શકાતી નથી. ટૂંકમાં આ એપ ગુપ્ત મતદાનના અધિકારને નડતર પહોંચાડવાનું નીવડી શકે છે.
ઇન્ટરનેટ કે એપના માધ્યમથી વપરાશકર્તાની જાણકારી એકત્ર કરવાની બાબત હવે નવી નથી. સ્માર્ટફોન પરના દરેક એપ પોતાની સગવડ અનુસાર આ કામ કરતી જ હોય છે. મોટાભાગે એ એપના યોગ્ય ફંકશન માટે સંબંધિત માહિતી એકત્ર કરવી જરૂરી પણ હોય છે. દાખલા તરીકે ભાડાની કાર કે ટેકસી માટેનાં એપને યુઝરના લોકેશન્સનો એકસેસ હોવો જરૂરી છે કે નહીં તો યુઝરને ટેકસી કયા સ્થળે જાય છે એ ખબર જ નહીં પડે ! સોશિયલ મીડિયાને સંબંધિત એપને કેમેરા અને ફોટો ગેલેરીનો એકસેસ નહીં હોય તો એના પરથી તસવીરો શેઅર કરી જ નહીં શકાય. આમ દરેક એપ પોતાની ગરજ પ્રમાણે વપરાશકર્તાની જાણકારી એકત્ર કરતી જ હોય છે, એ પણ એ જાણકારી અત્યંત ગોપનીય રાખવાની શરતે જ ! એવા પણ અનેક એપ હોય છે જેનો મુળ હેતુ વપરાશકર્તાની જાણકારી એકત્ર કરીને વેચવાનો હોય છે. અમેરીકામાં 2016 ની પ્રમુખપદની ચૂંટણી વખતે આવા પ્રકારની જ એક એપ દ્વારા મળેલી માહિતીનો ઉપયોગ મતદારો પર પ્રભાવ પાડવા માટે એકદમ પરફેકટ રહ્યો હતો. એની વિગતોમાં આપણે નથી ઊતરતા પણ ટુંકમાં કહેવું હોય તો ચૂંટણી સંબંધી એપનો આવો ચક્રવ્યુહ હોય છે. હવે તમારે જ નક્કી કરવાનું કે કઇ એપને કેટલો એકસેસ આપવો.