અહમદ પટેલનો ભરૂચ જંગ, અસલી ‘હુલ’ કે એપ્રિલ ફૂલ?April 01, 2019

  • અહમદ પટેલનો ભરૂચ જંગ, અસલી ‘હુલ’ કે એપ્રિલ ફૂલ?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાતના મામલે કોંગ્રેસનું કોકડું હજુ ગૂંચવાયેલું જ છે. કોંગ્રેસે ગુજરાતની લોકસભાની 26 બેઠકોમાંથી 13 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા ને હજુ અડધોઅડધ બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. કોંગ્રેસે 2017માં વિધાનસભાની ચૂંટણી પછી મોટા ઉપાડે એવુ કહેલું કે, લોકસભાની ચૂંટણી માટે અમે એક વરસ પહેલાં ઉમેદવારો જાહેર કરી દઈશું ને ઉમેદવારોને પોતપોતાના મતવિસ્તારોમાં જઈને મચી પડવા કહી દઈશું. એક વરસ પહેલાંની વાત તો છોડો પણ હવે ઉમેદવારીપત્ર ભરવા આડે ગણીને ચાર દાડા બચ્યા છે ને હજુ કોંગ્રેસનો મેળ પડ્યો નથી. આ ઉમેદવારો નક્કી કરવાના મામલે ખેંચતાણ છે કે પછી બીજું કોઈ કારણ છે તે રામ જાણે પણ આ બધા વચ્ચે રવિવારે એક રસપ્રદ વાત રમતી થઈ ગઈ.
કોંગ્રેસે જે બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેમાં એક બેઠક ભરૂચની પણ છે. ભરૂચ બેઠક ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના છોટુભાઈ વસાવાએ માગેલી ને બીજી બે બેઠકો પણ માગેલી. તેના કારણે કોંગ્રેસ ને બીટીપી વચ્ચે અંટસ પડેલી છે. ભરૂચ બેઠકના ઉમેદવાર જાહેર કરાતા નથી તેનું કારણ આ અંટસ છે એવું બધાંને લાગતું હતું ત્યાં રવિવારે નવી વાત બહાર આવી. વાત એવી છે કે, ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ અહમદ પટેલને લડાવવા માગે છે ને તેના કારણે જાહેરાત ઘોંચમાં પડી છે. ચૂંટણી તાકડે જાતજાતના પતંગ ચગતા હોય છે ને મીડિયા પણ મનમાં ફાવે એવા તુક્કા વહેતા કરીને લોકોનું મનોરંજન કરે છે. તેના કારણે શનિવારે પહેલી વાર અહમદ પટેલ ભરૂચ બેઠક પરથી લડી શકે છે એવી વાત બહાર આવી ત્યારે લોકોને એમ જ લાગેલું કે, આ વાત પણ એવો તુક્કો જ હશે. જો કે રવિવારે કોંગ્રેસના બે ધુરંધરોએ ખોંખારીને કહ્યું કે, આ વાત સાચી છે ને ગુજરાત કોંગ્રેસે જ અહમદ પટેલને ભરૂચમાંથી લોકસભાની ચૂંટણી લડવા નોંતરું આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બંનેએ આ વાતને સાચી ગણાવી ને એમ પણ કહ્યું કે, આ મામલો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર છોડાયો છે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક સોમવારે મળવાની છે ને એ પહેલાં રાહુલ ગાંધી અહમદ પટેલને મળીને તેમનો મત જાણશે ને તેના આધારે ભરૂચમાંથી કોણ ચૂંટણી લડશે તેનો નિર્ણય લેવાશે.
આજે સોમવાર જ છે એ જોતાં અહમદ પટેલ શું નક્કી કરે છે તેનો ફેંસલો થવા આડે ઝાઝી વાર નથી. આ ફેંસલો શું હશે તે ખબર નથી પણ અહમદ પટેલ લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કરે તો એ બહુ મોટો નિર્ણય હશે કેમ કે છેલ્લા 24 વર્ષમાં તેમણે એવી હિંમત બતાવી નથી. અહમદ પટેલ છેલ્લા બે દાયકાથી રાષ્ટ્રીય રાજકારણમાં છવાયેલા છે ને કોંગ્રેસમાં તેમનો પડ્યો બોલ ઝિલાય છે. આ દરમિયાન એક દાયકા લગી તો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં પણ રહી પણ અહમદ પટેલે લોકસભાની ચૂંટણી લડવાનું વિચાર્યું પણ નહીં. તેના બદલે પાછલા બારણે રાજ્યસભામાં ઘૂસીને એ પોતાનું ગાડું ગબડાવતા રહ્યા છે. લોકો વચ્ચે જઈને મત માગવાના બદલે કહ્યાગરા ધારાસભ્યોના મતથી રાજ્યસભામાં જવાનો ને એ રીતે ટકી રહેવાનો શોર્ટ કટ અત્યાર લગી તેમણે અપનાવેલો. હવે એ લોકો વચ્ચે જવાની હિંમત બતાવે છે કે નહીં એ જોવાનું રહે છે. અહમદ પટેલ શું કરે છે તેની ખબર આજે સાંજે કે પછી મોડામાં મોડી કાલે સવારે પડી જશે પણ ગુજરાત કોંગ્રેસને અહમદ પટેલને મેદાનમાં ઉતારવાનો વિચાર ક્યાંથી આવ્યો તે સમજવા જેવું છે. રાજકારણમાં કશું અકારણ હોતું નથી. રાજીવ સાતવ ને અમિત ચાવડા ભલે એમ કહેતા હોય કે, અહમદ પટેલ ઉમેદવાર બને તો ગુજરાતમાં કોંગ્રેસમાં ઊર્જાનો સંચાર થાય એટલે કાર્યકરોએ વિનંતી કરી પણ વાસ્તવિકતા અલગ હોઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસ પર વરસોથી અહમદ પટેલની પકડ છે ને કોઈ તેમની સામે બોલવાની હિંમત સુધ્ધાં કરતું નથી ત્યારે તેમને લડાવવાની તો વાત જ કોણ કરે ? આ સંજોગોમાં આ બધો ઉપરનો દોરીસંચાર હોઈ શકે છે. કોંગ્રેસમાં ઉપર કોણ છે તે કહેવાની જરૂર નથી. આ દોરીસંચાર પાછળનું કારણ પણ અહમદ પટેલ વારંવાર રાજ્યસભામાં જાય છે તેની સામે ઉઠતા સવાલો છે. તેના કારણે કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ આવી ગઈ એ પણ કારણ છે. અહમદ પટેલ છેલ્લે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનેલા ત્યારે જ સવાલો ઉઠવા માંડેલા કે, અહમદ પટેલ લોકસભાની ચૂંટણી કેમ નથી લડતા? ગુજરાતમાં ભાજપની આંધી સામે સ્થાનિક નેતાઓ પોતાની પૂરી તાકાત લગાવીને લડતા હોય ને જીતતા હોય ત્યારે એક માણસ કશું કર્યા વિના સતત 24 વરસથી સંસદસભ્ય બનીને સત્તા ભોગવ્યા કરે એ કઈ રીતે ચાલે ? કોંગ્રેસમાંથી રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી ચૂંટણી લડે છે, ઉપપ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી લડે છે ત્યારે અહમદ પટેલ સોનિયા ને રાહુલથી પણ ઉપર છે કે ચૂંટણી લડ્યા વિના સંસદમાં બેસે ને મોટા ભા થઈને પૂજાયા કરે ?