એપ્રિલ ફુલ: ‘COOL’ રહી ‘FOOL’ બનવા બનાવવાનો આનંદMarch 30, 2019

1 એપ્રિલના કોઇ કહે કે મારો જન્મદિવસ છે તો આપણે આશ્ર્ચર્ય સાથે પૂછીશું? ખરેખર? કે એપ્રિલ ફુલ બનાવો છો. આ દિવસે કોઇ આપણને આમંત્રણ આપે તો પણ શંકા કરવામાં આવે છે કે એપ્રિલ ફુલ તો નહીં હોય ને? સમાચાર પત્રોમાં પણ લોકોને એપ્રિલ ફુલ બનાવવા કંઇક ને કંઇક મોટા ન્યુઝ આપવામાં આવે છે. આમ જોઇએ તો આ દિવસે આપણે આપણા મિત્રો, પરિવારજનો સાથે નિર્દોષ મજાક કરીને આનંદ મેળવીએ છીએ પણ તેની સાચી મજા ત્યારે છે કે જ્યારે જે વ્યક્તિને આપણે ફુલ બનાવ્યા હોય તે પણ તેની મજા લઇ શકે. ‘એપ્રિલ ફુલ’ બનાયા ઉનકો ગુસ્સા આયા...’ની જેમ કોઇને ગુસ્સો આવે કે કોઇનું દિલ દુભાય તેવી મજાક ન કરવી જોઇએ. પહેલાના સમયમાં લોકો એકબીજાને જમવાનું આમંત્રણ આપી આવતા અને એપ્રિલ ફુલ બનાવતા, ક્યાંક કોઇ બનાવ બન્યો છે કે કોઇ હોસ્પિટલમાં છે કે પછી ભેટમાં કંઇ ન આપીને હાસ્ય નિષ્પક્ષ થાય તેવું વાતાવરણ ઉભુ થતું આમ જે એપ્રિલ ફુલ બને તે અને જે બનાવે તે બંનેને આનંદ આવતો. આજે ટેકનોલોજી અને સોશિયલ મીડિયામાં જાત જાતના મેસેજ વહેતા મુકીને લોકો એપ્રિલ ફુલનો આનંદ લુંટે છે. ઘણીવાર સાચા સંદેશને પણ ‘એપ્રિલ ફુલ’ હોવાનું લોકો સમજી લે છે. લેન્ડ લાઇનના સમયમાં ખોટા ફોન કોલ્સ, મિસકોલ્સ વગેરે કરીને પણ ‘એિ5્રલ ફુલ’ બનાવતા કોઇને ‘એપ્રિલ ફુલ’ બનાવતી વખતે તો આપણે મજા લૂંટીએ છીએ પરંતુ જ્યારે કોઇ આપણને ‘એપ્રિલ ફૂલ’ બનાવે ત્યારે પણ એ મજાકને ગંભીર ન લઇને તેની પણ મજા લેવી જોઇએ.
ઘણીવાર લોકો બીજાની મજાક કરતા હોય છે પણ પોતાની મજાક કોઈ કરે ત્યારે સહન કરી શકતા નથી. જે યોગ્ય નથી.
એપ્રિલ ફુલનો ઈતિહાસ તો આપણે જાણીએ જ છીએ. ભારત દેશ અને દુનિયાના દરેક દેશમાં આ દિવસ અલગ અલગ રીતે ઉજવાય છે પરંતુ એપ્રિલ ફુલ દ્વારા વ્યક્તિમાં બહુ મોટા ગુણનો વિકાસ થાય છે એ ભાગ્યે જ કોઈને ખ્યાલ છે જ્યારે આપણને કોઈ વ્યક્તિ એપ્રિલ ફુલ બનાવે છે ત્યારે આપણે એને નજીવી બાબત ગણી હસવામાં કાઢી નાખીએ છીએ અથવા તો જેણે આપણને ‘મૂર્ખ’ બનાવ્યા તેને ‘માફ કરીએ છીએ’ ‘જતુ કરીએ છીએ’ જે વાત માનવ સંબંધોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને તો ચાલો 1 એપ્રિલ આવી જ રહી છે. મિત્રો સ્વજનોને ‘ફુલ’ બનાવવાના એવા પ્લાન બનાવીએ છે જે તેના જીવનનો યાદગાર બનાવ બની રહે. ‘એપ્રિલ ફુલ’એ આનંદ અને મજા કરવાનો પ્રસંગ છે ઘણા લોકો ‘એપ્રિલ ફુલ’ બનાવવા માટે અનેક પ્લાન કરતા હોય છે પરંતુ આવા પ્લાનીંગ સમયે કેટલીક બાબતોનો ખ્યાલી રાખશો તો ‘ફુલ’ બનવા વાળા પણ મજા લુંટશે.
* એપ્રિલ ફુલ બનાવતી વખતે કોઈની અંગત બાબતને લઈને મજાક ન કરવી જોઈએ.
* કોઈ શારીરિક ખોડ ખાંપણ હોય તો તેને લઈને પણ મજાક ન કરવી જોઈએ. ફીઝીકલી ડિસેબલ હોય તેવા લોકોની પણ મજાક ન કરવી.
* કોઈને મોટુ આર્થિક નુકસાન ન થાય તેની પણ કાળજી રાખવી જોઈએ
* કોઈ વ્યક્તિને મજાક ગમતી ન હોય તો એને ખોટુ લાગી જાય કે દુ:ખ લાગી જાય તેવી વ્યક્તિ સાથે સમજી વિચારીને મજાક કરવી
કયારેક કોઈ વ્યક્તિને ત્યાં દુ:ખદ પ્રસંગ બની ગયો હોય તો આવા સમયે મજાક કરવામાં કાળજી રાખવી
મજાક હંમેશા મર્યાદામાં રહીને કરવી કયારેક કોઈને શારીરિક માનસિક નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.