ભારતની સ્પેસ સ્ટ્રાઈકથી પાકિસ્તાનના પેટમાં તેલ !March 28, 2019

 ‘અવકાશી ક્ષેત્રનું લશ્કરીકરણ દરેક દેશે ટાળવું જોઈએ’
ઈસ્લામાબાદ તા,28
બુધવારે ભારતે એક સક્રિય ઉપગ્રહને તોડી પાડવાનું (સેટેલાઇટ વિરોધી મિસાઇલનું) સફળ પરીક્ષણ કર્યાના કલાકો બાદ ભારતની સિદ્ધિથી ઝંખવાયેલા પાકિસ્તાને જણાવ્યું હતું કે તે બાહ્ય અવકાશના સશસ્ત્રીકરણના વિરોધમાં છે. મહાન સિદ્ધિને કારણે ભારત હવે સ્પેસ સુપર પાવર (અવકાશી મહાસત્તા)ની કલબમાં આવી ગયું છે.
બુધવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરીને દેશની જનતાને સમાચાર આપ્યા હતા કે ભારતે એક સક્રિય ઉપગ્રહને તોડી પાડીને સેટેલાઇટ વિરોધી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ સફળ પરીક્ષણ બાદ દુશ્મનના ઉપગ્રહને તોડી પાડવાની વ્યૂહાત્મક ક્ષમતા હાંસલ કરનારા રાષ્ટ્ર- અમેરિકા, રશિયા અને ચીનની હરોળમાં ભારત આવી ગયું છે. અવકાશ એ સંપૂર્ણ માનવજાતનો વારસો છે અને આ ક્ષેત્રના લશ્કરીકરણમાં પરિણમી શકે તેવી તમામ કાર્યવાહી ટાળવાની દરેક રાષ્ટ્રની જવાબદારી છે, એમ પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે અવકાશમાં સશસ્ત્રીકરણની હોડના નિવારણના યુએનના ઠરાવનું પાકિસ્તાન સમર્થક હતું. દરમિયાનમાં નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાહ્ય અવકાશમાં શસ્ત્રદોટમાં સ્થાન મેળવવાનો ભારતનો કોઇ ઇરાદો નથી