લીવ ઈનમાં રહેતા યુગલે ટ્રેન નીચે ઝંપલાવ્યું : યુવતીનું મોતApril 12, 2019

 પાંચ માસથી યુગલ પતિ - પત્ની તરીકે બોટાદમાં રહેતા હતા
ભાવનગર તા,12
બોટાદમાં છેલ્લા પાંચેક માસથી મૈત્રી કરાર કરી પતિ-પત્ની તરીકે સાથે રહેતા જોડાએ ટ્રેન નીચે પડતું મુકી દેતા યુવતીનું કરૃણ મોત નીપજ્યું હતું. જ્યારે યુવકને ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મુળ હડદડ ગામના વતની કિરણભાઈ અજુભાઈ ચેખલિયા (ઉ.વ.30) નામના યુવકને જનકબેન નામની યુવતી સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો.
આ પ્રેમ સબંધમાં તેઓ છેલ્લા ચાર-પાંચ માસથી મૈત્રી કરારથી પતિ-પત્ની તરીકે બોટાદ શહેરના મહમદનગર, યામીન ટાવરની સામે રહેતા હતા. દરમિયાનમાં બન્ને જણાં જિંદગીથી કંટાળી જતાં આત્મહત્યા કરવાનો નિર્ણય કરી ગઈકાલે ગુરુવારે સવારના સમયે ભાવનનગર રેલવે ફાટકથી લાઠીદડ બાજુના રેલવે પાટા પાસે જઈ ટ્રેન નીચે પડતું મુકી દીધું હતું. જેમાં કિરણભાઈ ચેખલિયાને ટ્રેને ફંગોળી દેતા છાતીના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે તેમના પત્ની જનકબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં મૃત્યુ પામ્યા હતા. બનાવ અંગે ઈજાગ્રસ્ત કિરણભાઈની જાહેરાત લઈ બોટાદ પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી આગળની તપાસ હાથ ધરી છે.