અધિકારો માટે લડનારીને પાકિસ્તાનમાં મળે છે રેપની ધમકીApril 11, 2019

પાકિસ્તાનમાં મહિલા અધિકારોને લઇને કાઢવામાં આવેલી એક રેલી અને તેમાં પ્રદર્શીત કરવામાં આવેલા પોસ્ટરને લઇને હંગામો મચી ગયો છે. પ્રદર્શન આયોજીત કરનાર મહિલાઓને રેપની ધમકીઓ મળી રહી છે અને કેટલીક સ્ત્રીવાદી મહિલાઓ પણ આના વિરોધમાં આવી ગઇ છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટર સૌથી વધુ વાયરલ થઇ રહ્યું છે, જેમાં એક છોકરી પગ પહોળા કરીને બેઠી છે. આ પોસ્ટરને કરાંચીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રૂમિસા લાખાણી અને રશીદા શબ્બીર હુસેને બનાવ્યું છે. પગ પહોળા કરીને બેઠેલી છોકરીના પોસ્ટર પર ઉર્દૂમાં લખવામાં આવ્યું છે, હું અહીં બિલકુલ યોગ્ય રીતે બેઠી છું. જો કે ઔરત માર્ચથી પાકિસ્તાનના કટ્ટરપંથીઓને ઝટકો લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર સમાજના એક વર્ગે કહ્યું કે તેમને આવા સમાજની જરૂર નથી. પ્રદર્શનના આયોજકોને ત્યારબાદ રેપ અને હત્યાની ધમકીઓ પણ મળવાની શરૂ થઇ ગઇ છે. જાણીતી સ્ત્રીવાદી કિશ્વર નહીદે કહ્યું કે રૂમિસા અને રશીદાના બનાવેલા પોસ્ટર પરંપરા અને મુલ્યોના અપમાન સમાન છે. જો કે કેટલાક લોકો આ યુવતીઓના સમર્થનમાં પણ આગળ આવ્યા છે.