ઈઝરાયલમાં મોદીસ્ટાઈલથી ફરી ચૂંટણી જીત્યા PM નેતાન્યાહુApril 11, 2019

ઈઝરાયલ, તા.11
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સતત પાંચમી મુદત માટે ઇઝરાયલના વડાપ્રધાન બની રહે તે બુધવારે સ્પષ્ટ થઇ ગયું હતું. નેતાન્યાહુની લિકુડ પાર્ટી અને સૈન્યના પુર્વ વડા બેન્ની ગોન્ત્ઝની બલ્યુ એન્ડ વ્હાઇટ પાર્ટી એમ બંનેએ ઇઝરાયલની સંસદની કુલ 120 બેઠક પૈકી 35 -35 એમ બરોબરીની બેઠક કબજે કરી હોવા છતાં ધાર્મિક - જમણેરી પક્ષોનું સમર્થન મળી રહેતાં નેતાન્યાહુ સંસદમાં બહુમતી સ્થાપિત કરવાની સ્થિતીમાં છે. સંસદની કુલ 120 બેઠક પૈકી 65 સાંસદોનું સમર્થન મળી રહેતાં નેતાન્યાહુ હવે પછીની મોરચા સરકારનું નેતૃત્વ કરશે તે લગભગ નક્કી થઇ ચુક્યું છે.શુક્રવાર સુધીમાં અંતિમ ચૂંટણી પરિણામ આવી જશે.
નેતાન્યાહુ પર થતાં રહેતાં ભ્રષ્ટાચારના આક્ષેપના સંદર્ભમાં આ ચુંટણીને નેતાન્યાહના ચારિત્ર્યના મુદ્દે લોકમતના સંદર્ભમાં મુલવવામાં આવી રહી હતી.નેતાન્યાહુ સામે ભ્રષ્ટાચારના ત્રણ મોટા કેસમાં આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ નેતાન્યાહુ આક્ષેપો નકારતા આવ્યા છે.પક્ષના મુખ્યાલયે 69 વર્ષના આ નેતાએ કાર્યકરોનું સંબોધન કર્યું હતું. નેતાન્યાહુ અને તેમના પત્નીએ પક્ષના મુખ્યાલયે પહોંચીને વિજયોત્સવમાં ભાગ લીધો હતો. સમર્થકો ફટાકડા ફોડતાં બોલી રહ્યા હતા કે નેતાન્યાહુ જાદુગર છે. નેતાન્યાહુ હવે વડાપ્રધાન બનશે તો ઇઝરાયલ પર સૌથી લાંબી મુદત માટે શાસન કરનારા વડાપ્રધાન બની રહેશે. તેમની શાસન મુદત ઇઝરાયલના સ્થાપક પિતામહ ડેવિડ ગુરિઅન કરતાં પણ વધી જશે. નેતાન્યાહુ 2009થી ઇઝરાયલનું વડાપ્રધાનપદ સંભાળી રહ્યા છે.જોકે અપરાધો પુરવાર થાય અને તેમને પદ છોડવું પડે તો આમ નહીં બની શકે.
ચૂંટણી પરિણામો પર ટિપ્પણી આપતાં પેલેસ્ટાઇનના મુખ્ય મંત્રણાકર્તા સાએબ એરેકાટે જણાવ્યું હતું કે ઇઝરાયલે પેલેસ્ટાઇન મુદ્દે સ્ટેટેસ્કો જાળવવાની તરફેણમાં મતદાન કર્યું છે. તેમણે શાંતિને ના કહી દીધી છે. અમેરિકી મધ્યસ્થીમાં ચાલતી રહેલી પેલેસ્ટાઇન - ઇઝરાયલ શાંતિ મંત્રણા 2014માં પડી ભાંગી હતી. વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદન
ઇઝરાયલના વડાપ્રધાન પદે ફરી નેતાન્યાહુ સંભાળે તે લગભગ નિશ્ચિત બની રહેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમને કહ્યું હતું કે, તમે ભારતના પરમ મિત્ર છો. બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઇએ લઇ જવા તમારી સાથે મળીને કામ કરવા હું ઉત્સુક છું.