યાસિન મલિક 22મી સુધી કસ્ટડીમાંApril 11, 2019

નવીદિલ્હી : દિલ્હી હાઈ કોર્ટે બુધવારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના વડા યાસિન મલિકને બાવીસમી એપ્રિલ સુધી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદીઓ તેમ જ આતંકવાદી જૂથોને ભંડોળ પૂરું પાડવા સંબંધિત કેસમાં એનઆઇએ દ્વારા તેની પૂછપરછ કરવા માટે કસ્ટડી માગતી જે અરજી કરી હતી એના જવાબમાં અદાલતે આ ફરમાન બહાર પાડ્યું હતું.
મલિકને સ્પેશિયલ જજ રાકેશ સ્યાલ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો અને તેમણે ચુકાદો આપતાં જ એનઆઇએના અધિકારીઓએ મલિકની અદાલતના રૂમમાં જ ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી ઇન-કેમેરા થઈ હતી. ટેરર-ફન્ડિંગના કેસમાં એનઆઇએ દ્વારા મલિકના રિમાન્ડ મેળવ્યા ત્યાર બાદ તેને મંગળવારે દિલ્હીની તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં મલિકે એનઆઇએ તરફથી તેના સંગઠન તરફથી મોકલવામાં આવેલા ભંડોળ વિશેના સવાલોના જવાબ આપવા પડશે. દરમિયાન, મલિક જેમાં આરોપી હતો એ ત્રણ દાયકા જૂના કેસોને ફરી ખોલવાની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ની અરજ પરના ફેંસલાને જમ્મુ ઍન્ડ કાશ્મીર હાઈ કોર્ટે અનામત રાખ્યો છે. 1989ની સાલમાં કેન્દ્રિય પ્રધાન મુફ્તી મોહંમદ સઇદની પુત્રી રુબૈયા સઇદના અપહરણનો અને હત્યાનો કિસ્સો બન્યો હતો તેમ જ 1990માં ભારતીય હવાઈ દળના ચાર જવાનોની હત્યા કરવામાં આવી હતી. આ કેસો સંબંધમાં કથિત સંડોવણી બદલ જેકેએલએફના ચીફ યાસિન મલિક વિરુદ્ધ આરોપો છે.
એનઆઇએ દ્વારા અન્ય કેટલાક બનાવો સંબંધમાં પણ તપાસ થઈ રહી છે. આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ પૂરું પાડવામાં, સલામતી દળો પર પથ્થરો ફેંકાવવામાં (સ્ટોન-પેલ્ટિંગમાં), સ્કૂલોને સળગાવી દેવામાં અને સરકારી સંસ્થાનોને નુકસાન પહોંચાડવામાં કોની-કોની ભૂમિકા છે એ શોધી કાઢવાનો એનઆઇએ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે.
એનઆઇએના કેસમાં પાકિસ્તાન-સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તોઇબા સંસ્થાના અગ્રેસર જૂથ જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદનું પણ આરોપી તરીકે નામ છે.
એ ઉપરાંત, હુર્રિયત કોન્ફરન્સ સહિતના બીજા કેટલાક જૂથોના પણ આ કેસમાં નામ છે. જેકેએલએફ પર તાજેતરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.