ચેન્નાઇએ કોલકાતાને 7 વિકેટે ધમરોળ્યુંApril 10, 2019

ચેન્નાઇ તા.10
ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના હોમગ્રાઉન્ડમાં વિજય યાત્રા જાળવી રાખતા ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 23માં મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 7 વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. ચેન્નઈના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા કોલકત્તાને 20 ઓવરમાં માત્ર 108 રન પર રોકી લીધું હતું. જેના જવાબમાં ચેન્નઈએ 17.2 ઓવરમાં 111 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. ચેન્નઈ માટે ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ અણનમ 43 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી દીપક ચહરે 3, તાહિર અને હરભજને બે-બે તથા જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ચેન્નઈનો 6 મેચમાં આ પાંચમો વિજય છે અને તેના 10 પોઈન્ટ થઈ ગયા છે.
109 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં સુનીલ નરેને શેન વોટસન (17)ને ચાવલાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ઈનિંગની પાંચમી ઓવરના છેલ્લા બોલ પર નરેને સુરેશ રૈના (14)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. પીયૂષ ચાવલાએ શાનદાર કેચ ઝડપ્યો હતો. ત્યારબાદ ફાફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયડૂએ ત્રીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. રાયડૂ (21) પીયૂષ ચાવલાનો શિકાર બન્યો હતો. રાયડૂએ 31 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
કોલકત્તાની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. ચેન્નઈની શાનદાર બોલિંગની આગળ કોલકત્તાના બેટ્સમેન કંઇ ખાસ ન કરી શક્યા અને માત્ર 9 રનની અંદર 3 બેટ્સમેનો પેવેલિયન પરત ફરી ગયા હતા. ગત મેચમાં શાનદાર અડધી સદી ફટકારનાર ક્રિસ લિન પણ ખાતું ખોલાવ્યા વિના પ્રથમ ઓવરના અંતિમ બોલ પર કઇઠ આઉટ થયો હતો. તેને દીપક ચહરે પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં એક વાર ફરી હરભજન સિંહની ફિરકીનો જાદૂ જોવા મળ્યો હતો. તેણે સુનિલ નરેનને એક ઓવરના પાંચમાં બોલ પર દીપક ચહરના હાથે કેચ કરાવ્યો હતો.
નરેન 5 રન બનાવી આઉટ થયો હતો. કોલકત્તા આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા નીતીશ રાણાને આઉટ કરીને વધુ એક ઝટકો આપ્યો હતો.