ભેળસેળ ઓળખી... શુધ્ધ સોડમયુક્ત મસાલા ખરીદોApril 09, 2019

ઉનાળાની સીઝન શરૂ થતા જ ગૃહિણીઓ દ્વારા બારેમાસના હળદર, ધાણાજીરુ, મરચુ, હિંગ વગેરે મસાલા ભરવાની શરુઆત થઇ જાય છે. એક સમય હતો જયારે દરેક વસ્તુ ઘરે દળીને ભરવામાં આવતી. જેના કારણે મસાલાની શુધ્ધતા જળવાય રહે છે. આજે દરેક મસાલા પેકીંગમાં મળે છે અને બારેમાસ મળે છે તેથી અમુક ગૃહિણીઓ જયારે જરૂર
પડે ત્યારે લઇ લે છે અને બારેમાસના મસાલા ભરવાની કડાકુટ કરતા નથી.
ગૃહિણીઓ આ પેકીંગના મસાલાથી દૂર રહી પરિવાર માટે શુધ્ધ અને સારી ગુણવતાના મસાલા સ્ટોર કરે છે.
આજે અનેક વેપારીઓ નફાની લાલચે માનવજીવનને નુકસાન કરે તેવા દ્રવ્યોની ભેળસેળ કરે છે. લુઝ મસાલામાં આવી ભેળસેળ વધુ થાય છે તો કેટલીક ગૃહિણીઓ શુધ્ધતા માટે મસાલા માર્કેટમાં જઇને મસાલાની ખરીદી કરે છે. પરંતુ અહીં પણ વેપારીઓ તેમની નજર ચુકવીને જાત જાતની ભેળસેળ કરતા હોય છે. તેથી જો ગૃહિણી કેટલીક બાબતનું ધ્યાન રાખે તો આવી ખતરનાક ભેળસેળથી બચી શકે છે.
આજે મસાલામાં નરી આંખે ન જોઇ શકાય તે રીતે ભેળસેળ થાય છે. જેમાં અનેક વેપારીઓ નફાની લાલચે માણસને નુકસાન થાય તેવા દ્રવ્યોની ભેળસેળ કરે છે. લુઝ મસાલા ખરીદતી વખતે પણ ધ્યાન રાખવું તેમજ કેટલીક ગૃહિણીઓ મસાલા માર્કેેટમાં જઇને મસાલા તૈયાર કરે છે તે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો ભેળસેળથી બચી શકે છે.
મસાલામાં કેમીકલયુક્ત કલર, લાકડાનો છોલ, એસન્સ, મકાઈનો લોટ, શંખજીરુ, ટેલ્કમ પાવડર, ઈંટનો ભૂક્કો વગેરે મિક્સ કરવામાં આવે છે તો મરીના બદલે પપૈયાના બી તથા તજના બદલે વૃક્ષની છાલને આકાર આપી ઉપયોગમાં લેવામાં આવે છે. જે અનેક રોગોને નોતરે છે તો આ પ્રકારના મસાલા નિયમિત વાપરવાથી કેન્સર જેવા રોગનો ભોગ પણ લોકો બને છે. આ પ્રકારની ભેળસેળને ઓળખવા માટે કેટલીક ટ્રીક છે જે મુજબ શુધ્ધ મસાલાની પરખ કરી શકાશે.
*સામાન્ય રીતે કોઇ મસાલાને પાણી ભરેલા ગ્લાસમાં થોડીવાર રાખી મુકવાથી પાણી નીચો ઝીણો પાવડર બેસી જશે અને તે સફેદ જઇ જશે.
* પાણીના ગ્લાસમાં મરચુ પાવડર નાખવાથી જો પાણીમાં બેસી જાય તો શુધ્ધ હોય અને પાણીમાં તરવા લાગે તો કોઇ પણ ભેળસેળ થઇ હશે.
* હળદરને પાણીમાં નાખવાથી જો કલર પીળો થાય તો રંગની ભેળસેળ ગણવી. આ પાણીમાં આયોડીનના ટીપા નાખવાથી રંગ ભૂરો થાય તો તેમાં લોટ મિક્સ કર્યો હશે.
* પાણીના ગ્લાસમાં એક ચમચી હિંગ નાખવાથી શુધ્ધ હિંગ ઓગળી જશે અને સફેદ થઇ જશે.
* મરીની શુધ્ઘતાની ચકાસણી માટે પાણીના ગ્લાસમાં જો તરવા લાગશે તો તે શુધ્ધ ગણવા.