અલંગ નજીક જહાજમાં ક્રૂ મેમ્બર વચ્ચે મારામારી; એકની હત્યાApril 09, 2019

એક શખ્સને કેબિનમાં કેદ કરાયો; લાશને ડીપફ્રીઝમાં રખાઈ
(વિપુલ હીરાણી) ભાવનગર તા,9
ભાવનગર નજીકના અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજમાં ક્રુ મેમ્બરો વચ્ચે મારામારી થતા એક વિદેશી ક્રુ મેમ્બરની હત્યા થઇ છે. બનાવની જાણ થતાં જ મરીન પોલીસ, કસ્ટમ્સ સ્થળના સરકારી વિભાગોમાં દોડધામ મચી ગઇ હતી.
ખુનના આ બનાવની મળતી વિગતો મુજબ અલંગ જહાજ વાડામાં ભંગાવા માટે અંતિમ પોર્ટ યમનથી નીકળેલ જનરલ કોર્ગોના જહાજ ‘ઓએસીસ-3’ ભાવનગર એન્કરેજ ખાતે આવી પહોંચ્યું હતું. આ જહાજના કેપ્ટને જણાવ્યા મુજબ આ જહાજ અંતિમ પોર્ટ યમનથી તા.24 ફેબ્રુઆરીએ અલંગ આવવા નીકળ્યું હતું અને અલંગ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમામાં આવી પહોંચ્યું હતું. દરમ્યાન જહાજમા બે ક્રુ મેમ્બરો વચ્ચે કોઇ બાબતે ડખ્ખો સર્જાતા જહાજના રસોયા અને યમનનાં નાગરીક અબ્દુલ હકીમ મોહસીનની અન્ય ક્રુ મેમ્બર દ્વારા છરી મારી હત્યા કરવામાં આવી હતી. આરોપીને એક કેબીનમાં કેદ કરવામાં આવ્યા છે અને લાશને ડીપ ફ્રીજમાં રાખવામાં આવી છે.
આ અંગે કેપ્ટન મોહમ્મદ દાયેદ દ્વારા સંબંધિત સરકારી એજન્સીઓ ભારતમાં યમનના રાજદૂતને જાણ કરવામાં આવી છે. આ જહાજ રવિવારે અલંગ પાસે આવી ગયું છે. પરંતુ કસ્ટમ બોર્ડીંગ હજુ બાકી છે. બાદમાં ભાવનગર મરીન પોલીસ કાર્યવાહી હાથ ધરશે તેમ જાણવા મળેલ છે. આ બનાવ અંગે અલંગ મરીન પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. એન.એમ. મંડેરાએ જણાવ્યું હતું કે જહાજ પર ખુનનો બનાવ આંતરરાષ્ટ્રીય જળસીમામાં થયો છે. મરનાર અને મારનાર વિદેશી છે માત્ર જહાજ અહીંયા આવ્યું છે. આ બનાવ અંગે શું કરવું તે અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે અને સંબંધિત નિર્ણય લેવાયા બાદ કાર્યવાહી થશે.