હારના બહાના રોજ કયાંથી કાઢું? કોહલીApril 09, 2019

  • હારના બહાના રોજ કયાંથી કાઢું? કોહલી

બેંગલુરુ: વિરાટ કોહલી આ વખતની આઇપીએલમાં છ મેચમાં ફક્ત એક જ હાફ સેન્ચુરી (6, 46, 3, 23, 84, 41) ફટકારી શક્યો છે એટલે બેટિંગમાં સદંતર ફ્લોપ જઈ રહ્યો છે એમ કહી શકાય. જોકે, તેની ટીમ એનાથી પણ નિષ્ફળ ગઈ કહેવાય, કારણકે રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર શરૂઆતની તમામ છ મેચ હારી ગઈ છે અને રવિવારે દિલ્હી કેપિટલ્સ સામેની હાર બાદ પરાજયની સિક્સર બાદ નિરાશ હાલતમાં કોહલીએ આ હાર વિશેની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમે દિલ્હી સામે 160થી 165 જેટલા રન બનાવ્યા હોત તો એ પડકારરૂપ ટોટલ કહેવાત. 150નો લક્ષ્યાંક અમે આપ્યો એ પણ ડિફેન્ડ કરી શક્યા હોત. અમે તકોનો લાભ લીધો હોત તો 150નો લક્ષ્યાંક પણ તેમને ભારે પડ્યો હોત. આ હાર ફલાણા કારણસર થઈ અને પેલી હાર ઢીકણા કારણસર થઈ એવું કહીને અમે કંઈ રોજ-રોજ પરાજયના બહાના ન બતાવી શકીએ. ટૂંકમાં અમે ફરી નબળા પુરવાર થયા છીએ.
બેન્ગલોરની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા બાદ દિલ્હીની ટીમે 18.5 ઓવરમાં છ વિકેટે 152 રન બનાવીને 4 વિકેટે મેચ જીતી લીધી હતી. દિલ્હીના ફાસ્ટ બોલર કેગિસો રબાડાએ 21 રનમાં ચાર વિકેટ લીધી હતી અને તેને મેન ઑફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે સૌથી વધુ 67 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરની ટીમ સતત છઠ્ઠી મેચ રવિવારે હારી ગઈ એ સાથે હવે પ્લે-ઑફમાં પહોંચવાનું એના માટે લગભગ અશક્ય થઈ ગયું છે. હવે વિરાટ કોહલીની આ ટીમે બાકીની તમામ 8 લીગ મેચ જીતવી જ પડશે. એવું થશે તો જ એને પ્લે-ઑફમાં જવાનો મોકો મળી શકશે.