IPLમાં આજે પંજાબ સામે હૈદરાબાદApril 08, 2019

પોઇન્ટ ટેબલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ફર્સ્ટ નંબરે
જયપુર: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ સુનિલ નરેન (47) અને ક્રિસ લિન (50)ની શાનદાર બેટિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના 21માં મેચમાં રાજસ્થાન રોયલ્સને તેના ઘરઆંગણે 8 વિકેટે પરાજય આપીને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 139 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે 13.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી આ લક્ષ્ય હાસિલ કરી 8 વિકેટે જીત મેળવી હતી.

મોહાલી તા.8
ટોચનો પ્રબળ બેટિંગ ક્રમ ધરાવતી સનરાઈઝર્સ હૈદરાહાદ (એસ. એચ.)ની ટીમ આઈ.પી.એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની આજે અહીં કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમાનારી મેચમાં પોતાના નીચલા ક્રમની બેટિંગની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરશે.
હૈદરાબાદ અને પંજાબની બંને ટીમ પોતાની પાંચ મેચમાંથી ત્રણ વિજયના બળે છ પોઈન્ટ ધરાવે છે, પણ કેન વિલિયમસનની ટીમ આઠ ટીમની આ સ્પર્ધામાં પોતાના વધુ સારા રન-રેટના કારણે બીજા સ્થાને છે. દરમિયાન, પંજાબની ટીમ પોઈન્ટ-કોષ્ટમાં હાલ પાંચમા સ્થાને છે. પણ, પોતપોતાની છેલ્લી મેચમાં પરાજયનો કડવો સ્વાદ ચાખેલ હૈદરાબાદ અને પંજાબની બંને ટીમ વિજયના માર્ગે ફરી ફરવા માટે મરણિયો પ્રયાસ કરશે. હૈદરાબાદની ટીમનો શનિવારે તેના ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન સામે 136 રન કરવાના લક્ષ્ય સામે 40 રનથી પરાજય થયો હતો અને પંજાબની ટીમ સામે ચેન્નઈ સુપર કિંગ્સે 22 રનથી વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે તેની પહેલી ત્રણ મેચમાં ઘણો સારો દેખાવ કર્યો હતો જેમાં ડેવિડ વોર્નર અને જોની બેસ્ર્ટોવની ઓપનિંગ જોડીએ દરેક મેચમાં સદીથી વધુની ભાગીદારી નોંધાવી હતી, પણ તેઓ એક વેળા વહેલા આઉટ થયા પછી મધ્યમ ક્રમના બેટધરો નમી પડ્યા હતા.હૈદરાબાદના મધ્યમ ક્રમની કસોટી થઈ શકી નથી અને મુંબઈ સામેની મેચમાં તક મળતા વિજય શંકર, મનીષ પાંડે, દીપક હૂડા અને યુસુફ પઠાણ જેવા બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા. મુંબઈ સામે વિજય માટે 137 રન કરવાના સાધારણ પડકાર સામે નવોદિત એલઝેરી જોસફે હૈદરાબાદની ટીમને 96 રનમાં આઉટ કરી દીધી હતી.બોલિંગમાં ભુવનેશ્ર્વર કુમાર, સંદીપ શર્મા અને સિદ્ધાર્થ
કોલે અત્યાર સુધીમાં સંતોષકારક કામગીરી બજાવી છે તથા મોહંમદ નબી અને રશીદ ખાનની અફઘાનિસ્તાનના સ્પિનરોની જોડીએ સારો પ્રભાવ પાડ્યો છે.      
બીજી તરફ, પંજાબની ટીમ ચેન્નઈ સામે 161 રનના વિજયના લક્ષ્યાંક સામે કે. એલ. રાહુલ (55) અને સરફરાઝ ખાન (67)ની વ્યક્તિગત અડધી સદી છતાં પાંચ વિકેટે 138 રન કરી શકી હતી.
રવિચંદ્રન અશ્ર્વિનના નેતૃત્વમાં પંજાબની ટીમ તેના ફટકાબાજ બેટધર ક્રિસ ગેઈલની ટોચના ફોર્મમાં પાછા ફરવાની આશા રાખે છે અને મયંક અગરવાલ, મંદીપ સિંહ તથા ડેવિડ મિલર જેવા બેટ્સમેનોએ મધ્યની ઓવરોમાં જવાબદારી સ્વીકારી લેવાની રહે છે. મેચની શરૂઆત રાતે 8 વાગ્યાથી થશે.