હારની સિક્સરથી કોહલી થયો ખામોશApril 08, 2019

બેંગલોર: સતત મળેલા 6 પરાજયથી ભડકેલા બેંગલોર રોયલ ચેલેન્જર્સનાં કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સનાં હાથે મળેલા પરાજય બાદ કહ્યું કે તેની ટીમ ફરીથી મળેલી તકોનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી અને હારવા માટે દરરોજ બહાનું ના બનાવી શકાય. બેંગલોરે 8 વિકેટે 149 રન બનાવ્યા પરંતુ તેનું રક્ષણ કરવામાં ટીમ નિષ્ફળ રહી અને દિલ્હીએ 4 વિકેટે મેચ જીતી લીધી. કોહલીએ મેચ બાદ કહ્યું કે, અમે વિચારી રહ્યા હતા કે 160નો સ્કોર લડાયક રહેશે, પરંતુ અમે સતત વિકેટ ગુમાવતા રહ્યા અને આ માટે હું અંત સુધી ક્રીઝ પર ઉભા રહેવા ઇચ્છતો હતો. એટલા સુધી કે 150નો સ્કોર પણ અમે જો મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો હોત તો તેમના માટે મુશ્કેલ હોત. અમારે આ તકોનો ફાયદો ઉઠાવવાની જરૂર છે. દરરોજ બહાનું ના બનાવી શકાય. કોહલીએ કહ્યું કે, અમે મેચનાં દિવસે ક્યારેય સારું રમી શક્યા નહીં. આ સીઝનમાં આરસીબી આ જ વાર્તા છે.
કોહલીએ 33 બોલમાં 41 રન બનાવ્યા અને તેણે કહ્યું કે તેની પાસે આ પ્રકારની ઇનિંગ રમવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. તેણે કહ્યું કે, આ વિકેટ પર બેટિંગ કરવી મુશ્કેલ હતી. જ્યારે એબી ડીવિલિયર્સ આઉટ થયો તો મારે ઇનિંગને ઉગારવી પડી.