શેન વોર્નની શરત જીતવા ‘બહુરૂપિયો’ બન્યો મેથ્યૂ હેડનApril 08, 2019

ચેન્નાઇ તા.8
ઑસ્ટ્રેલિયાઈ ખેલાડી પોતાના બિંદાસ્ત અંદાજ અને લાઇફસ્ટાઇલનાં કારણે ઓળખાય છે. આમાંથી એક છે મેથ્યૂ હેડન. પોતાની ધાકડ બેટિંગનાં કારણે જાણીતા આ ક્રિકેટરને ભારતથી ઘણો જ લગાવ છે. ક્યારેક હોળીનાં રંગોમાં રંગાયેલો તો ક્યારેક મંદિરમાં પૂજા-અર્ચના કરતો હોય તેવી તેમની તસવીરો ઇન્ટરનેટ પર મળી રહેશે. જો કે આ વખતે હેડન લુંગી અને નકલી દાઢી લગાવીને ચેન્નાઈનાં રસ્તાઓ પર શોપિંગ કરી રહ્યા છે.
ઇન્ડિયન ટી-20 લીગમાં ચેન્નાઈ તરફથી રમી ચુકેલા હેડન અત્યારે કોમેન્ટેટર તરીકે ટીવી પર જોવા મળે છે. બે વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમનાં સભ્ય રહેલા હેડન તાજેતરમાં ચેન્નાઈનાં રસ્તા પર ભાવ-તાલ કરતા જોવા મળ્યા. ચેન્નાઈની ટી નગર સ્ટ્રીટ મોલ પાસે તેમણે 200 રૂપિયાની ઘડિયાળ ભાવ-તાલ કરીને 180 રૂપિયામાં ખરીદી લીધી છે. આ દરમિયાન તેમણે એ વાતનો પણ ખ્યાલ રાખ્યો કે તેમને કોઈ ઓળખી
ના શકે. નકલી લાંબી દાઢી
અને લુંગી પહેરીને હેડન ખુદને છુપાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિએ તેમની મદદ પણ કરી. હેડને બાદમાં સમગ્રઘટનાક્રમ પરથી પડદો ઉઠાવ્યો.
હેડને કહ્યું કે, શેન વોર્ને 1 હજાર રૂપિયાથી ઓછા પૈસામાં સામાન ખરીદવાની ચેલેન્જ આપી હતી. આ માટે હું લુંગી, શર્ટ, રજની બ્રાંડનાં સન ગ્લાસેસ અને ઘડીયાળ ખરીદતો જોવા મળ્યો હતો. આ પહેલા મેથ્યૂ હેડન ક્રિકેટની પિચ પર લુંગી અને ચેન્નાઈની ટી-શર્ટ પહેરીને ચોગ્ગા-છગ્ગા લગાવતા જોવા મળી ચુક્યા છે. ઇન્ડિયન ટી-20 લીગની શરૂઆતની ત્રણ સીઝનમાં ચેન્નાઈ તરફથી રમતા તેમણે 34 ઇનિંગમાં 34.90ની સરેરાશથી 117 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં થયેલી બીજી સીઝનમાં 572 રન બનાવીને ઑરેંજ કેપ પર કબ્જો કર્યો હતો.