રોસ્ટેડ ચણાનો નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેરApril 06, 2019

ફૂડશાખા દ્વારા મસાલાના 13 અને પનીરના બે નમૂના લેવાયા રાજકોટ તા,6
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે માર્ચ માસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ ‘સાંઈ સોના સીંગ’ બ્રાન્ડ રોસ્ટેડ ચણાનો લીધેલ નમુનો લેબોરેટરીમાં મિસ બ્રાન્ડ જાહેર થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ફૂડ, ઓડરીંગ એન્ડ ડીલીવરી સર્વિસ કરતી કંપનીને ફૂડ લાયસન્સ રજુ કરવા નોટિસ આપી છે.
મસાલા ખરીદવા તથા સંગ્રહ કરવાની સીજન ચાલી છે ત્યારે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ અન્વયે રૈયારોડ ઉપરથી રઘુવીર મરચાના માંડવામાંથી લુઝ રેશમપટ્ટો મરચાનો, મારુતિ મસાલા ભંડારમાંથી હળદરનો તેમજ લુક હિંગનો, જલારામ મરચા ભંડારમાંથી લુઝ મરચાનો નમુનો લીધો હતો.
આ ઉપરાંત નાનામવા સર્કલ પાસે સંતદેવીદાસ મસાલા ભંડારમાંથી લુઝ વરિયાળી, શીપ મસાલા ભંડારમાંથી લુઝ રાઈ, મા શક્તિ મસાલા ભંડારમાંથી લુઝ આખાધાણા, ઓમ મા મસાલા ભંડારમાંથી લુઝ રાઈ, જય જલિયાણમાંથી લુઝ જીરુ, કુવાડવા રોડ ઉપર નવરંગ ફલોરમિલમાંથી કાશ્મિરી મરચાના પાવડરનો 150 ફુટ રીંગ રોડ ઉપર ભવાની મસાલામાંથી સુવાદાણા, યમુના મસાલામાંથી લુઝ સુંઠ, મોમાઈમાંથી લુઝ જીરુ, નવજીવન ડેરી સાધુ વાસવાણી રોડ માંથી લુઝ પનીર અને ગોવિંદબાગ શાક મારકેટ સામે શ્રી રામ ડેરી ફાર્મમાંથી લુઝ 5નીરના નમુના લઈ લેબોરેટરીમાં મોકલેલ છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે દરેક ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, પરિવહન કરનારે ફૂડ લાયસન્સ લેવું ફરજિાયત છે. નવા કાયદા મુજબ ખાદ્ય સામગ્રીનું માત્ર ટ્રાન્સપોર્ટેશન (પરિવહન) કર્તા ધંધાર્થીઓને પણ ફૂડ લાયસન્સ હોવુ જરૂરી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા અંદાજીત 6 માસથી સ્વીગી અને ઝોમેટો કંપની દ્વારા ખાદ્ય સામગ્રીની ઘર સુધી પહોંચાડવાની બિઝનેસ ચાલુ કરેલ છે. જે અન્વયે સ્વીગી અને ઝોમેટો કંપની દ્વારા ખાદ્ય સામગ્રીના પરિવહન ટ્રાન્સપોર્ટેશન માટે ફૂડ લાયસન્સ લેવું ફરજિયાત હોય, ફૂડ લાયસન્સ રજુ કરવા નોટીસ આપેલ છે.