ચંદનના વૃક્ષોનું આડેધડ નિકંદન; ફોરેસ્ટ તંત્રને અંધાપોApril 05, 2019

અમરેલી તા,5
ધારી ગીર પૂર્વ કરમદડી રાઉન્ડની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેન્ગ 60 ચંદનના આરક્ષિત વૃક્ષ આરક્ષિત જંગલમાંથી કાપી જવામાં સફળ રહી છે અને રેવન્યુમાં પણ 100 જેટલા ચંદનના વૃક્ષ કપાયા છે. જે અંગે ગાંધીનગરની વિજીલન્સ ટીમ પણ તપાસમાં આવી હતી. ત્યારે કરોડોના ચંદન કટીંગ કૌભાંડ પરથી પડદો ઉંચકાશે કે રહસ્ય બની રહેશે !
ધારી નજીકના અભ્યારણ વિસ્તાર એવા સરસીયા પૂર્વ-પશ્ચિમ વિડીમાંથી ચંદન ચોર ગેન્ગ એક બાદ એક ચારથી પાંચ વખત ત્રાટકી કટર વડે ચંદનના અધધધ કહી શકાય તેટલા 60 વૃક્ષોનું નિકંદન કાઢવામાં સફળ રહી હતી. જે વનતંત્રની ભારે બેદરકારી જ કહી શકાય તેમ હજુ આ ચંદન ચોર ગેન્ગ કે ચંદનના વૃક્ષનો મુદામાલ વન વિભાગ ઝડપી શકયું નથી. તેમજ રેવન્યુ વિસ્તારમાં પણ 100 જેટલા ચંદનના વૃક્ષો કટીંગ કરી ચોરાઈ ગયા હતા. છતાં હજુ એક કિલો ચંદનનું લાકડુ તંત્રના હાથે લાગ્યું નથી. ત્યારે આ બાબતે અનેક પ્રશ્નો હજુ ઉભા છે તો સમગ્ર કૌભાંડ એક રહસ્ય બની રહયું છે. જાણવા મળતી વિગતો મુજબ આ સમગ્ર કૌભાંડની તપાસ માટે ગાંધીનગરની વડી કચેરી ખાતેથી વિજીલન્સવિભાગની ટીમના એફ. રામકુમારે પણ સરસીયા વિડીમાં તપાસ હાથ ધરી હતી. જેનો અહેવાલ ગાંધીનગર કચેરી ખાતેથી જ આવશે. વનતંત્રના ઈતિહાસમાં કયારેય પણ વિજીલન્સ વિભાગે કોઈ તપાસ કરી નથી. અન્ય વિભાગ જેવા કે પોલીસ, મહેસૂલ વગેરેમાં સમયાંતરે આવી અચાનકની તપાસ થતી રહે છે જેથી અધિકારી, કર્મચારી સતર્કતા દાખવે છે. ગીર પૂર્વમાં પ્રથમવાર જ વિજીલન્સ ટીમ આવી હોય પરંતુ કેવી કાર્યવાહી થાય છે તે આગામી સમયમાં જાણવા મળશે. ત્યારે હાલ તો ચંદન કટીંગ કૌભાંડ ભારે ચકચારી બની જવા પામ્યું છે. આ કૌભાંડમાં ચંદન ચોર ગેન્ગ કઈ છે તે પણ હજુ અણઉકેલ છે. અગાઉ એક ત્રણ વૃક્ષના એફ.ઓ.આર.માં એમ.પી.ના એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વનતંત્રની ટીમ એમ.પી. તપાસમાં ગઈ હતી પરંતુ ત્યાંથી પણ વિલા મોઢે પરત ફરી હતી. તો તંત્ર સ્થાનિક શખ્સોની અટકાયત કરીને પણ પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી અને ચંદનના કિંમતી વૃક્ષોનું કટીંગ કરી ચંદન ચોરો આબાદ રીતે ભાગવામાં સફળ રહયા હતા. આ અંગે સી.સી.એફ. ડી.ટી. વસાવડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સરસીયા વિડીમાંથી કુલ 60 જેટલા ચંદનના વૃક્ષનું કટીંગ થયું છે. વધુ તપાસ ચાલી રહી છે.