PM મોદીને UAEના સર્વોચ્ચ નાગરિકી સન્માનથી નવાજાશેApril 04, 2019

દુબઈ તા,4
યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) પ્રેસિડેન્ટ ખલિફા બિન ઝાયેદ બિન સુલ્તાન અલ નાહયાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝાયદ મેડલથી નવાજવાની જાહેરાત કરી. આ એવોર્ડ યુએઈનો સર્વોચ્ચ સન્માનમાંથી એક છે. યુએઈના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિને ઝાયેદે પોતે ટ્વિટ કરીને આ અંગેની જાહેરાત કરી. યુએઈના ક્રાઉન પ્રિન્સે કહ્યું કે ભારત સાથે અમારા ઐતિહાસિક અને વ્યાપક રણનીતિક સંબંધ છે. તેમણે કહ્યું કે આ સંબંધોને વધુ મજબુત કરવામાં મારા મિત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ઝાયેદ મેડલ કોઈ પણ દેશના રાષ્ટ્રાધ્યક્ષને અપાનારું સૌથી મોટું સન્માન છે.
અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ આર્મ ફોર્સીસના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદે ટ્વિટર પર આ અંગે જાહેરાત કરતા લખ્યું કે પબંને દેશોના સંબંધોનો વધુ મજબુત બનાવવાના તેમના પ્રયત્નોને બિરદાવતા યુએઈના રાષ્ટ્રપતિએ તેમને ઝાયેદ મેડલથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
યુએઈએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના સભ્ય નિસાર અહેમદ તાંત્રેને પણ ભારતને સોંપ્યો. જૈશનો આ આતંકી જમ્મુ અને કાશ્મીરના લેથપોરા સ્થિત સીઆરપીએફના કેમ્પ પર ડિસેમ્બર 2017માં થયેલા હુમલાનો મુખ્ય કાવતરાખોર છે. 30-31 ડિસેમ્બેર 2017ના રોજ થયેલા હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતાં. ત્યારે 3 આતંકીઓને ઠાર કરાયા હતાં.
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને યુએઈના સંબંધોમાં ખુબ ગરમાવો આવ્યો છે. યુએઈ ભારતમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ અનેક આતંકીઓ ભારતને સોંપી ચૂક્યું છે.
થોડા સમય પહેલા યુએઈએ ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડીલમાં દલાલીના આરોપમાં ક્રિશ્ચિયન મિશેલને પણ ભારતને સોંપ્યો હતો. આ મામલે અન્ય એક આરોપી દીપક તલવારને પણ ભારતને સોંપી દેવાયો હતો. યુએઈ સીરીયાઈ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના સમર્થકો, ઈન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય અબ્દુલ વાહિદ સિદ્દીબાપા અને 1993 મુંબઈ બોમ્બ વિસ્ફોટના આરોપી ફારુક ટકલા જેવા આતંકીઓ પણ ભારતને સોંપી ચૂક્યું છે.