ભારત અમેરિકા પાસેથી ખરીદશે ઘાતક 24 સી હોક હેલિકોપ્ટર

  • ભારત અમેરિકા પાસેથી ખરીદશે  ઘાતક 24 સી હોક હેલિકોપ્ટર

 રૂા.16000 કરોડના ખર્ચે મળનારા આ હેલિકોપ્ટર દુશ્મનોની સબમરીનનાં ભૂક્કા બોલાવી દેશે
વોશિંગ્ટન તા.3
અમેરિકાએ ભારતને 24 એમએચ-60 આર રોમિયો સીહોક હેલિકોપ્ટર વેચવાની મંજૂરી આપી છે. અમેરિકન વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતને આ હેલિકોપ્ટર રૂ. 16 હજાર કરોડમાં વેચશે. હેલિકોપ્ટર દુશ્મનની સબમરીન નષ્ટ કરવા સિવાય જહાજોને હાંકી કાઢવા અને દરિયામાં સર્ચ અને બચાવ ઓપરેશનમાં પણ ખૂબ મદદગાર સાબીત થશે. રોમિયો સીહોક હેલિકોપ્ટરને લોકહીડ-માર્ટિન કંપનીએ બનાવ્યા છે. આ બ્રિટિશ સી કિંગ હેલિકોપ્ટરની જગ્યા લેશે. મંગળવારે ટ્રમ્પ પ્રશાસને ભારતને 24 હેલિકોપ્ટર વેચવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે.
નોટિફિકેશન પ્રમાણે- હેલિકોપ્ટરની પ્રસ્તાવિત વેચાણથી ભારત અને અમેરિકાની રણનીતિના સંબંધો મજબૂત થશે. ભારત, અમેરિકાનું ખૂબ મોટુ ડિફેન્સ માર્કેટ છે. આ ડીલથી ઈન્ડો-પેસિફિક અને દક્ષિણ એશિયામાં સ્થાયિત્વ શાંતિ જાળવી રાખવામાં મદદ મળશે. બીજી બાજુ રોમિયો હેલિકોપ્ટરથી ભારતીય ફોજની એન્ટી સરફેસ અને એન્ટી સબમરીન સુરક્ષા ક્ષમતામાં પણ વધારો થશે. અમેરિકા તરફથી હવે એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ હેલિકોપ્ટર્સની મદદથી સ્થાનિક સ્તર પર ભારતની સુરક્ષા મજબૂત થશે અને દેશને દુશ્મનો સાથ ટક્કર લેવામાં સરળતા થશે. ભારતને આ હેલિકોપ્ટરને સેનામાં સામેલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. આ રોમિયો એમએચ-60 આરને દુનિયાનું સૌથી સારું મેરીટાઈમ હેલિકોપ્ટર માનવામાં આવે છે. હાલ તે અમેરિકન નેવીમાં એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વેપન તરીકે વપરાય છે. સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલના લડાકુ હેલિકોપ્ટરની સરખામણીએ આ હેલિકોપ્ટર સૌથી આધુનિક છે. તેને લડાકુ સબમરીન, ક્રુઝર્સ અને એરક્રાફ્ટ કરિયરથી ઓપરેટ કરી શકાય છે. અમેરિકન નેવલ એર કમાન્ડના જણાવ્યા પ્રમાણે- સીહોક હેલિકોપ્ટર એન્ટી સબમરીન સિવાય દેખરેખ, સુચના, યુદ્ધક સર્ચ અને બચાવ, ગનફાયર અને લોજિસ્ટિક સપોર્ટમાં ખૂબ મદદરૂપ છે.