શંકરસિંહના ‘વસંત વગડા’માં ચોકીદાર જ નીકળ્યા ચોર!

  • શંકરસિંહના ‘વસંત વગડા’માં ચોકીદાર જ નીકળ્યા ચોર!
  • શંકરસિંહના ‘વસંત વગડા’માં ચોકીદાર જ નીકળ્યા ચોર!

નેપાળી પતિ-પત્ની દાગીના અને રોકડ ‘બઠાવી’ નાસી છુટયાની ફરિયાદ
અમદાવાદ: ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી, પુર્વ વિપક્ષ નેતા અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાના ઘરે ચોરીની ઘટના બની છે. ચોરીના આ ઘટનામાં તેમના ઘરના ચોકીદારની મુખ્ય ભૂમિકા હોય તેવી શંકા છે. ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વાઘેલાના કે/7 ગાંધીનગર સર્કલ પર આવેલા ‘વસંત વગડો’ ઘરમાંથી ચોકીદાર 
બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુર્ખા અને તેની પત્ની શારદા 3 લાખ રૂપિયા કેશ અને 2 લાખના દાગીના સાથે ભાગી ગયા છે. શંકરસિંહ વાઘેલા સાથે કામ કરતા અને પેથાપુરમાં જ રહેતા સુર્યસિંહ હેમતુજી ચાવડાએ રવિવારે સાંજે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવાયા મુજબ, અમે ચાર વર્ષથી એક નેપાળીને કામે રાખ્યો હતો, તે પોતાની પત્ની અને બાળકો સાથે વસંત વગડોમાં રહેતો હતો. શંકરસિંહે 2જી ફેબ્રુઆરીએ મને જણાવ્યું કે તેમનો નેપાળી ચોકીદાર ઓકટોબરથી પત્ની અને બાળકો સાથે જતો રહ્યો છે. અને પાછો નથી આવ્યો. 7મી ફેબ્રુઆરીએ કબાટમાં મુકેલા દાગીના અને રોકડ નહોતી મળી. આ રૂમનો કબાટ ખોલવાની પરવાનગી ને પાળી અને તેની પત્નીને પણ હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ, માત્ર નેપાળી અને તેની પત્નીએ જ કબાટમાંથી ઘરેણાં અને રોકડ રકમ ચોરી હોવી જોઇએ. પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. જે અનુર્કરે કહ્યું કે શંકરસિંહ વાઘેલાના પરિવારમાં લગ્નની તૈયારી કરતા સમયે ફરિયાદીને જાણ થઇ કે દાગીના અને રોકડની ચોરી થઇ છે. ચોરી કરનાર સિક્યોરિટી ગાર્ડ તેની પત્ની સાથે ઓકટોબરથી ઘર છોડીને જતો રહ્યો છે. પોલીસે ચોરી અને તેમાં મદદ કરવાના આરોપની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.