ઠાકોર સેનાની કોંગ્રેસને ધમકીMarch 18, 2019

 જો 4 ઉમેદવારોને ટિકિટ નહીં અપાય તો અપક્ષ લડીશું અથવા ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું
ઊંઝા તા,18
મહેસાણા જિલ્લામાં લોકસભા તેમજ ઊંઝામાં વિધાનસભાની પેટા ચૂંટણીથી જિલ્લામાં રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપ તેમજ કોંગ્રેસનાં ઉમેદવારનાં દાવેદારો પોતાના સમર્થકો સાથે વ્યૂહરચનામાં લાગી ગયા છે, ત્યારે મહેસાણાનાં ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે.
મહેસાણા જિલ્લામાં જ્યારેથી ઊંઝાનાં આશાબેને કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારથી રાજકારણ ગરમાયુ છે. ઊંઝા વિધાનસભા પેટાચૂંટણી માટે ઉનાવા પાસે એક ખાનગી હોટલમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાઈ જેમાં 22 જેટલા ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી છે. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ઊંઝા ઠાકોર સમાજમાં
ભારોભાર રોષ જોવા મળ્યો હતો. ઠાકોર સમાજનાં 4 જેટલા દાવેદારોએ આ સેન્સ પ્રક્રિયામાં દાવેદારી પણ નોંધાવી છે સાથેસાથે તેમણે એવો રોષ પણ વ્યક્ત કર્યો કે ઊંઝા વિધાનસભામાં ઠાકોર સમાજની નિર્ણાયક ભૂમિકા હોવા છતાં અત્યાર સુધી ઠાકોર સમાજ સાથે સતત અન્યાય થતો રહ્યો છે. આ ઊંઝા વિધાનસભામાં જો કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજને ટિકિટ નહિં અપાય તો અમારા સમાજમાંથી અપક્ષમાંથી ઉમેદવાર ફોર્મ ભરશે અને ઠાકોર સમાજ ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે.