રૂા.50ની નોટ પરના ‘દૃશ્ય’ને નજરે નિહાળોMarch 18, 2019

કર્ણાટક : 50 રૂપિયાની નોટ પર જે રથનું ચિત્ર જોવા મળી રહ્યું છે તે હમ્પીના રથનું ચિત્ર છે. આ મંદિર દક્ષિણ ભારતના કર્ણાટકમાં આવેલું છે અને દર વર્ષે દેશ-વિદેશના સેંકડો પર્યટકો આ સ્થળની મુલાકાત લે છે.
તુંગભદ્રા નદીના તટ પર સ્થિત આ નગર હવે હમ્પી નામે જાણીતું છે અને ફક્ત ખંડેરો સ્વરૂપે તેના અવશેષ બચ્યા છે. આ ખંડેરોને જોઇને એ વાતનો અહેસાસ થાય છે કે એક સમયે અહીં કેવી સમૃદ્ધ સંસ્કૃતિ નિવાસ કરતી હશે. ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલું આ નગર યુનેસ્કો દ્વારા વિશ્ર્વ ધરોહર સ્થળોમાં સામેલ કરવામાં આવ્યું છે. દર વર્ષે અહીં હજારો પર્યટકો અને તીર્થ યાત્રીઓ આવે છે. હમ્પી ગોળ ખડકોની વચ્ચે વિશાળ જગ્યામાં પથરાયેલું છે. ટેકરીઓની વચ્ચે પથરાયેલા 500 થી પણ વધુ સ્મારક ચિન્હો અહીં છે, જેમાં મંદિર, મહેલ, ભોંયરા, જુના બજાર, શાહી મંડપ, ગઢ, ચબુતરા, રાજભંડાર વગેરે અનેક ઇમારતો આવેલી છે.
હમ્પીમાં વિઠ્ઠલ મંદિર પરીસર સૌથી સુંદર અને ભવ્ય સ્મારકો પૈકીનું એક છે. તેના મુખ્ય ખંડમાં આવેલા 56 સ્તંભોમાંથી સંગીતની લહેરો નીકળે છે. ખંડના પૂર્વ ભાગમાં સુપ્રસિદ્ધ શિલારથ છે જે ખરેખર પથ્થરના પૈડાઓ પર ચાલતો હતો. હમ્પીમાં આવા તો અનેક આશ્ર્ચર્યો છે. જેમકે અહીં રાજાઓને અનાજ, સોના અને રૂપિયાથી તોલવામાં આવતા હતા અને આ દ્રવ્ય ગરીબોમાં વહેંચવામાં આવતું. રાણીઓ માટે બનાવવામાં આવેલા સ્નાનાગાર કમાનકાર પ્રવેશ, ઝરૂખાઓ અને કમલાકાર ફુવારાઓથી સજાવેલા હતા.