લઇ હાથોમાં રંગ..ભરી દિલમાં ઉમંગ.. સ્વજનોને સંગ મનાવીએ હોળી ઉત્સવMarch 17, 2019

હોળી પછીનો બીજો દિવસ રંગોનો તહેવાર ધુળેટી કહેવાય છે. અબીલ, ગુલાલ અને રંગો વડે એકબીજાને રંગવાનો,
પ્રેમથી રંગવાનો આનંદ અલગ હોય છે પરંતુ વર્તમાન સમયમાં કેમિકલયુકત રંગો અને ઉજવણીની રીતો બદલાતા ક્યાંક તહેવારની મજા સજામાં પલટાઈ જાય છે. પાર્ટી પ્લોટ અને હોટેલોમાં રેઇન ડાન્સમાં હોળીની ઉજવણી પણ ધોવાઈ જાય છે. રંગોના આ
તહેવારમાં રંગો વિશે તથા તેની ઉજવણીમાં રખાતી કાળજી અને હોળીના પર્યાય જેવા કેસૂડાના ફૂલોની જાણી-અજાણી વાતો કરીએ... મખમલી કેસરિયો કેસૂડો ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ પછી મલકયા વિના તે કેમ રહીએ
કામણ કીધા છે અહીં કેસૂડે એવા કે મહેકયા વિના તે કેમ રહીએ
- મેઘબિંદુ
વસંતની પધરામણી થતા જ વગડામાં કેસૂડાના ફૂલો પણ જાણે વસંતના આગમનની ઉજવણી કરતા હોય તેમ મહોરી ઉઠે છે. લીલાછમ વૃક્ષો વચ્ચે કે પછી સુકા પર્ણો વચ્ચે કેસરિયો કેસૂડો ધ્વજા લહેરાવતો છવાઇ જાય છે. કવિઓ, લેખકો માટે કેસૂડો મનપસંદ વિષય છે. હિંદી અને સંસ્કૃતમાં પલાશ જેવુ રૂપકડુ નામ ધરાવતા કેસૂડાને અંગ્રેજીમાં બસ્ટર્ડટીક જેવા કલાત્મક નામથી ઓળખવામાં આવે છે એક બાજુ સુંવાળી અને બીજી તરફ ખરબચડી સપાટી ધરાવતુ આ ફૂલ જીવનનો ઉત્તમ સંદેશ આપે છે. જીવનમાં પણ કયારેક મખમલી કુમાશ ધરાવતા સુખની છોળો હોય છે તો કયારેક દુ:ખો અને પરેશાની પણ હોય છે. કેસૂડાની ઉત્પતિ માટે એવી માન્યતા છે કે સોમરસ પીધેલા ગરુડના પીંછામાંથી તેની ઉત્પતિ થઈ છે તેના લાકડામાંથી બ્રહ્મચારીનો દંડ અને પવિત્ર વાસણો બનાવવામાં આવે છે. તેના પાન ત્રણ ત્રણમાં સમૂહમાં હોય છે. તેમાં બ્રહ્મ, વિષ્ણુ, મહેશનો વાસ માનવામાં આવે છે. ઊંચાઈ હોય તેવા વૃક્ષો જોવા મળે છે તેના બીજથી લઈને છાલ, પાન, ફૂલ બધું જ ઉપયોગી છે.
કેસૂડાના વેલવેટ જેવા અને કોઈ ખાસ સુગંધ વગરના ફૂલો સીધા ભગવાનને ચડતા નથી આમ છતા તેનો રંગ અને આકાર મન મોહક હોય છે. રસ્તા પરથી પસાર થતા કેસૂડાના મનમોહક વૃક્ષો જોઈને એક મિનિટ નજર સ્થિર થયા વગર રહેતી નથી. કુદરતની પણ ગોઠવણીને દાદ દેવી પડે કે જ્યારે પાનખર વિદાય સમયે મોટા ભાગના વૃક્ષોના પાન ખરી રહ્યા હોય એવા સમયે કેસૂડો પોતાની હાજરીથી લોકોમાં આનંદ અને ઉત્સાહનો સંચાર કરે છે. આવો કેસરિયો કામણગારો કેસૂડો ફકત હોળી-ધુળેટીના રંગે રમવા નહી પરંતુ માનવજીવનમાં અનેક રીતે ઉપયોગી છે.   60% off Colors & Herbal Gulal