ઈંઝ ડિપ્લોમા હોલ્ડરે ‘જિયો’ના નામે 1000 લોકોને છેતર્યા

  • ઈંઝ ડિપ્લોમા હોલ્ડરે ‘જિયો’ના નામે 1000 લોકોને છેતર્યા

ફરીદાબાદ તા,15
જાણીતી મોબાઇલ કંપનીના ફોન જીઓના ટાવર લગાવવાનું જણાવીને દેશભરમાં 1,000 કરતાં વધું લોકો સાથે રૂ. 1.5 કરોડથી વધુની છેતરપિંડી આચરનારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાનું બુધવારે પોલીસે જણાવ્યું છે. આ ત્રણ શખ્સોની ઓળખ સંજય કુમાર (28 વર્ષ), સંતોષ કુમાર (29 વર્ષ) અને અર્જુન પ્રસાદ (26 વર્ષ) તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું છે કે, આ ત્રિપુટી નકલી વેબસાઇટ મારફતે લોકો સાથે છેતરપિંડી કરતી હતી. જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ઓછામાં ઓછી 200 વ્યક્તિઓએ સ્વીકાર્યું હતું કે, આરોપીઓએ તેમની સાથે છેતરપિંડી કરી હતી. લોકોને છેતરવા માટે આરોપીઓએ ઇન્ટરનેટ પર વેબસાઇટ ૂૂૂ.યિહશફક્ષભયષશજ્ઞજ્ઞિૂંયિ.ક્ષયિં બનાવી હતી જેમાં મોબાઇલ ફોનના ટાવર લગાવવાની વિગતો દર્શાવવામાં આવી હતી.
જ્યારે લોકો વેબસાઇટ પર મોબાઇલ ટાવર લગાવવા માટેનું ફોર્મ ભરતા કે તરત તેમને ટાવર લગાવવાની મંજૂરી આપતો પત્ર મળતો હતો અને આરોપીઓ સામેવાળા પાસેથી રૂ. 14,413ની રકમ સિક્યુરિટીની તરીકે માગણી કરતા હતા. પરંતુ એક વ્યક્તિએ આ ખાતામાં રકમ જમા કરાવતા તેમને બેન્કનો મેસેજ મળ્યો જેમાં આરોપી અર્જૂન પ્રસાદના ખાતામાં રકમ જમા થઇ છે તેવું જણાવ્યું હતું. ફરિયાદીને શંકા જતા તેમણે આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા જે આરોપીઓએ પરત કરવાનો ઇન્કાર કરતાં આ મામલે પોલીસ ફરીયાદ દાખલ થઇ હતી.
ડીસીપીએ જણાવ્યું હતું કે, બાતમીને આધારે પોલીસે માનેસર તથા ફરિદાબાદના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન આ સમગ્ર કૌભાંડના સૂત્રધાર સંજયે જણાવ્યું હતું કે તે પોતાની કંપની શરૂ કરવા ઇચ્છતો હતો અને તે માટે એને રૂ. 20 લાખની જરૂર હતી. આથી તેણે નકલી વેબસાઇટ શરૂ કરી હતી. આ ઉપરાંત વેબસાઇટ પર આવતા ગ્રાહકો દ્વારા પૂછવામાં આવે તેવા સંભવિત પ્રશ્નોનું લિસ્ટ પણ તૈયાર કર્યું હતું અને વેબસાઇટ માટે આભાસી નંબરો પણ મેળવ્યા હતા.
તેમણે સ્થાનિક કલાકારને પૈસા આપીને એ પ્રશ્ર્નોના જવાબ અવાજમાં રેકોર્ડ કર્યા હતા. સંજય પાસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ડિપ્લોમા છે. તે વર્ષ 2011-14 દરમિયાન એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો. તેણે ભારતની ટેક્નોલોજી સેવાઓ અને કંસલ્ટિંગ આપતી એક પ્રતિષ્ઠિત કંપનીમાં વર્ષ 2015થી 2017 દરમિયાન કામ કર્યું હતું. આરોપીઓ પાસેથી પોલીસને પાંચ મોબાઇલ ફોન, નવ સિમ કાર્ડ, વિવિધ બેન્કોના 12 એટીએમ કાર્ડ મળી આવ્યા છે, જેનો ઉપયોગ લોકોને છેતરવા માટે કરવામાં આવતો હતો. આ ઉપરાંત બેન્કોમાં નવું ખાતું ખોલાવવાથી મળતી એકાઉન્ટ ઓપનિંગ કિટ્સ તથા ચેકબુક્સ મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું.