ચૂંટણી ટાણે ‘મત’લબી ખેરાતો સર્જશે વર્ગવિગ્રહMarch 15, 2019

  • ચૂંટણી ટાણે ‘મત’લબી ખેરાતો સર્જશે વર્ગવિગ્રહ

આપણે ત્યાં ચૂંટણી ઢૂંકડી આવે એ સાથે જ ખેરાતોની મોસમ શરૂ થઈ જાય છે. રાજકારણીઓ રીતસરના મતોના આખેટ પર નીકળે છે ને આ મતબેંકને પોતાની તરફ વાળવા માટે આડેધડ વચનોની લહાણી કરે છે, અકલ્પનિય ફાયદો થાય એવી જાહેરાતો કરે છે. ખેડૂતોનાં દેવાં માફ કરવાથી માંડીને અનામતની જોગવાઈ સુધીની લહાણીઓ થાય છે.
મધ્યમ વર્ગનો માણસ આખી જિંદગી ઢસરડા કરે. તાણીતૂસીને બે છેડા કઈ રીતે ભેગા કરવા તેની ફિરાકમાં લાગેલો રહે. પોતાના બજેટમાં આવે એવું ઘર શોધે ને માંડ માંડ લોન કરીને ઘર લે. એ ઘરના હપ્તા ભરવાની માથાકૂટ પછી શરૂ થાય. આ લોનના હપ્તા ભરવામાં જ આખી જિંદગી નીકળી જાય. આ હપ્તા ભરવામાં અનુભવવી પડતી તાણ ને માનસિક યાતનામાં બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ જેવા રોગોની ભેટ મળે એ તો લટકામાં. એ પછી માંડ ઘરભેગો થાય ત્યારે આ તો સીધા જ કરોડપતિ બની ગયા છે.
જો કે ભાજપે જ આવાં વચનો આપ્યાં છે એવું નથી. કોંગ્રેસ પણ આ મામલે પાછળ નથી.કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વલસાડથી જનાક્રોશ રેલીથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કર્યા ત્યારે વચન આપી દીધું કે, લોકસભાની 2019ની ચૂંટણી કોંગ્રેસ જીતી જાય તો દેશના તમામ ગરીબોને નમિનિમમ ઈન્કમથ આપશે. દેશમાં અત્યાર સુધી મિનિમમ ઈન્કમની વાતો ઘણાંએ કરી પણ કોઈ પક્ષ તેને લાગુ કરવાની હિંમત નહોતી કરી. રાહુલ જીતશે કે નહીં એ ખબર નથી પણ જીતવા માટે રાહુલે આ દાવ ખેલી નાખ્યો છે.
રાહુલે તો ખેડૂતોનાં દેવાં માફ કરવાની પણ જાહેરાત કરી છે ને તેના પગલે મોદી સરકારે પણ ગરીબ ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવી પડી છે. ગુજરાતમાં વિધાનસભાની વખતે જ ખેડૂતોની લોન માફ કરવાની વાત કરી નાખેલી. એ પછી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે ખેડૂતોનાં દેવા માફ કરેલાં. કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં વિજય મેળવ્યા પછી ચૂંટણી પ્રચારમાં આપેલા વચન મુજબ આ ત્રણેય રાજ્યોમાં સત્તાના ખેડૂતોનાં દેવાં માફ કરવાની જાહેરાત કરી તેથી હવે મોદી સરકારે પણ પાછળ ઢસડાવું પડ્યું છે. ભાજપે એ પછી ગુજરાતમાં 620 કરોડના વીજ બિલ માફ કરવાં પડ્યાં તો આસામમાં રૂપિયા 600 કરોડનાં ખેડૂતોના દેવાં માફ કરવા પડ્યાં.
જે લોકો પ્રામાણિકતાથી કર ચૂકવે છે એ લોકો દેશના વિકાસ માટે એ રકમ આપે છે. એ રકમ દેશના વિકાસમાં વપરાય, દેશમાં વધારે સારી સવલતો માટે વપરાય, દેશનાં લોકોનું જીવન વધારે બહેતર બને એ માટે વપરાય તેવું માનીને કરવેરો આપતા હોય છે. તેની સામે આપણા સત્તાધીશો શું કરે છે? એ લોકો એ રકમનો ઉપયોગ પોતાની મતબેંકના ફાયદા માટે કરે છે. આ સંજોગોમાં તેમનામાં પણ અસંતોષ ઊભો થતો જાય છે.
આમ પણ અત્યારે આ દેશમાં જ્ઞાતિવાદનો પ્રભાવ વધ્યો છે. ચૂંટણીઓ જીતવા માટે મતબેંકનું રાજકારણ રમાય છે ને જ્ઞાતિવાદ હાવી થઈ ગયો છે. તેના કારણે અનામત સહિતના દાવપેચ થાય છે. તેમાં મેરિટની તો વાત જ થતી નથી. તેના કારણે પણ મધ્યમ વર્ગનાં લોકોમાં અસંતોષ છે જ ને હવે આ નિર્ણય લેવાયો છે તેના કારણે અસંતોષ વધશે. આ પ્રકારનો અસંતોષ લાંબા ગાળે સમાજમાં વિખવાદ પેદા કરશે ને વર્ગવિગ્રહ જેવી સ્થિતિ સર્જાશે એવો ખતરો ખરો.