પાક. આતંકી મસૂદ જન્મજાત ગુજરાતી?March 15, 2019

  • પાક. આતંકી  મસૂદ જન્મજાત  ગુજરાતી?

નવી દિલ્હી તા,15
ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદના સ્થાપક મસૂદ અઝહર 1994ના જાન્યુઆરીમાં ભારત પ્રથમ વખત આવ્યો ત્યારે તેણે પોતાની પાસેના પોર્ટુગીઝ પાસપોર્ટ અંગે ઇમિગ્રેશન અધિકારીઓએ કરેલી પૂછપરછમાં દાવો કર્યો હતો કે હું જન્મજાત ગુજરાતી છું. મસૂદ અઝહર એ વખતે દિલ્હીના વૈભવશાળી વિસ્તાર ચાણક્યપુરી વિસ્તારની હોટેલમાં રોકાયો
હતો. પાકિસ્તાનના આ ત્રાસવાદીની પછીના બે અઠવાડિયાંમાં જમ્મુ અને કાશ્મીરમાં ધરપકડ કરાઇ હતી. તે રાજધાનીની હોટેલ જનપથમાં રહ્યો હતો. તેણે લખનઊ, સહારનપુર અને ઇસ્લામિક મદરેસા દારુલ-ઉલૂમ દેવબંદની મુલાકાત લીધી હતી.
ભારતીય સંસદ પર 2001માં અને ગયા મહિને પુલવામામાં કેન્દ્રીય અનામત પોલીસ દળના કાફલા પરના હુમલા માટે જવાબદાર જૈશે મહંમદનો વડો મસૂદ અઝહર બંગલાદેશની મુલાકાત લીધા બાદ ત્યાંથી બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ પર ભારત આવ્યો હતો.
તેણે જણાવ્યું હતું કે હું બે દિવસ ઢાકામાં રહ્યા બાદ બંગલાદેશી ઍરલાઇન્સથી દિલ્હી આવ્યો હતો. હું 1994ની 29મી જાન્યુઆરીએ રાતના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકે પહોંચ્યો હતો. ઇમિગ્રેશન અધિકારીએ જ્યારે શંકા વ્યક્ત કરી કે હું પોર્ટુગીઝ નથી લાગતો ત્યારે મેં કહ્યું હતું કે હું જન્મજાત ગુજરાતી છું અને તેણે મારા પાસપોર્ટ પર તુરત સિક્કો મારી દીધો હતો.
તેણે જણાવ્યું હતું કે હું વિમાનમથકેથી ટેક્સીમાં નીકળ્યો હતો અને મેં ડ્રાઇવરને સારી હોટેલમાં લઇ જવાની સૂચના આપી હતી. મને ચાણક્યપુરીની અશોક હોટલમાં લઇ જવાયો હતો અને હું ત્યાં રહ્યો હતો. મસૂદ અઝહરે જણાવ્યું હતું કે હું 1994ની છઠ્ઠી અને સાતમી ફેબ્રુઆરીએ લખનઊ ગયો હતો અને ત્યાં ખરી ઓળખ નહોતી આપી. મસૂદ અઝહરને 1999માં ઇન્ડિયન ઍરલાઇન્સના અપહૃત વિમાનના મુસાફરોના બદલામાં છોડાયો હતો.
--------