નીતિન પટેલને લોકસભાની ચૂંટણી ધરાર લડાવવા કારસોMarch 15, 2019

  • નીતિન પટેલને લોકસભાની  ચૂંટણી ધરાર લડાવવા કારસો

અમદાવાદ તા. 15
ભાજપના ગુજરાતમાં સૌથી વરિષ્ઠ નેતાઓમાં સ્થાન પામતા ડે. સીએમ નીતિન પટેલ આ વખતે લોકસભાની ચૂંટણીમાં મહેસાણાથી ઉભા રહે તો નવાઇ નહીં. આમ તો નીતિન પટેલને હાલનો પોતાનો હોદ્દો છોડવાની કશીય ઇચ્છા નથી, પરંતુ અંદરના સૂત્રો કહે છે કે નીતિન પટેલને પક્ષ મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડાવશે.
મહત્વનું છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં નીતિન પટેલ માટે મહેસાણા બેઠક પર જીત ખૂબ જ મુશ્કેલ મનાઇ રહી હતી. પાટીદાર આંદોલનના ગઢ સમાન મહેસાણામાં પાટીદારોના જ વોટ મેળવવા ભાજપ માટે જરાય સરળ નહોતા. ચૂંટણી વખતે એવી સ્થિતિ હતી કે ભાજપના નેતાઓ પાટીદારોના વિસ્તારમાં પ્રચાર પણ નહોતા કરી શકતા.
પાટીદારોની નારાજગી ઉપરાંત એન્ટિ ઇન્કમ્બન્સી ફેકટર નડી જવાની પૂરી શકયતા વચ્ચે પણ નીતિન પટેલે મહેસાણાથી ચૂંટણી લડી જીત દર્જ કરાવી હતી. જેનાથી ભાજપના નેતાઓ પણ આશ્ર્ચર્યચકિત હતા. એક ચર્ચા અનુસાર, નીતિન પટેલે વિધાનસભા ચૂંટણી વખતે અમદાવાદની કોઇ સુરક્ષિત બેઠક માગી હતી, પરંતુ પક્ષે તેમની માગણીનો સ્વીકાર નહોતો કર્યો.
વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સરકાર રચાયાના થોડા જ દિવસોમાં નીતિન પટેલે જાહેરમાં પોતાની નારાજગી વ્યકત કરતા પોતાને ચાવીરુપ ખાતાં ન અપાયા હોવાનો બળાપો કાઢી રાજીનામું આપી દેવાની ધમકી આપી હતી, અને સમર્થકોને પોતાના ઘરે ભેગા કરી શક્તિપ્રદર્શન પણ કર્યું હતું. જોકે, આખરે નરેન્દ્ર મોદીની દરમિયાનગીરીથી સમગ્ર મામલો થાળે પડયો હતો. નીતિન પટેલે જાહેરમાં નારાજથી વ્યકત કરી
ત્યારથી જ ચર્ચા હતી કે તેમનું પત્તું ગમે ત્યારે કપાઇ શકે છે. નીતિન પટેલની સિનિયોરિટી ધ્યાનમાં રાખતા તેમને બીજી કોઇ રીતે સાઇડલાઇન કરવા ભાજપ માટે ખૂબ જ મુશ્કેલ છે. તેવામાં તેમને લોકસભાની ચૂંટણી લડાવાય તેવી જોરદાર અટકળો હાલ ચાલી રહી છે.
પાટીદાર આંદોલનની હવે કોઇ અસર ગુજરાતમાં નથી રહી, અને ભાજપે ઊંઝાના કોંગ્રેસી ધારાસભ્ય આશા પટેલને પણ કેસરીયો ખેસ પહેરાવી દીધો છે, ત્યારે નીતિન પટેલ જો લોકસભા ચૂંટણી લડે તો તેમના માટે જીત બહુ મુશ્કેલ નહીં હોય, પરંતુ ગુજરાતમાંથી વિદાય થયા બાદ તેમને કેન્દ્રમાં કોઇ જવાબદારી મળશે કે કેમ તે હાલ કોઇ કહી શકે તેમ નથી.